<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

બ્રાઝિલમાં ભારે કરૂણાંતિકા: ચાર બાળકો સહિત એક જ પરિવારના દસ સભ્યો કાર તળાવમાં ખાબકતાં ડૂબી ગયા

રિયો ડી જાનેરો રાજ્યના બારા માનસામાં ઘટેલી આ ભયાનક દુર્ઘટનામાં એક જ પરિવારના માસૂમ બાળકો અને વડીલો સહિતના સભ્યોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે

બારા માનસા : બ્રાઝિલના રિયો ડી જાનેરો રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા બારા માનસા નગરપાલિકા વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જ્યાં એક જ પરિવારના ચાર બાળકો સહિત દસ સભ્યોની કાર રસ્તા પરથી અનિયંત્રિત થઈને સીધી તળાવમાં ખાબકતા તમામના કરૂણ મોત નીપજ્યા છે. વહેલી સવારે તળાવ પાસેથી પસાર થઈ રહેલા એક સાક્ષીએ પાણીમાં પલટી ગયેલી કાર જોઈને તુરંત કટોકટી સેવાઓને જાણ કરી હતી, પરંતુ અંદર ફસાયેલા લોકોના પ્રાણ બચાવવા માટે રાહત અને બચાવ ટીમ મોડી પડી હતી અને કોઈનો જીવ બચી શક્યો ન હતો.
મૃતકોમાં ચાર મહિલાઓ, બે પુરુષો, એક બાળક, બે છોકરાઓ અને એક છોકરીનો સમાવેશ થાય છે, જેઓ બધા વોલ્ટા રેડોન્ડા નગરપાલિકાના નિવાસી અને એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી અસ્પષ્ટ છે, પરંતુ પોલીસ તપાસમાં આ તમામના મોત પાણીમાં ડૂબવાથી થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. સ્થાનિક અહેવાલો અનુસાર આ મૃતકોમાં એક દંપતી, તેમના બાળકો, પૌત્રો અને ભત્રીજી સામેલ છે, જેના કારણે આખા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે અને પીડિત પરિવારના એકમાત્ર હયાત પુત્ર દ્વારા અંતિમ સંસ્કાર માટે ભંડોળ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ દુર્ઘટના બાદ નિષ્ણાત ડાઇવર્સની ટીમ દ્વારા પાણીની નીચેથી મૃતકોના શબ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પોલીસ હાલ આ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ભયાનક ઘટનાના સામે આવેલા ચિત્રોમાં તળાવના પાણીની સપાટી ઉપર પલટી ગયેલી કારના પૈડા અને નીચેનો ભાગ સ્પષ્ટ નજરે પડે છે, જે આ અકસ્માતની ભયાનકતાની સાક્ષી પૂરે છે.
બ્રાઝિલમાં માર્ગ અકસ્માતોની આ કોઈ પહેલી મોટી ઘટના નથી, કારણ કે આ અગાઉ મે મહિનામાં પણ બાહિયા રાજ્યમાં જન્મદિવસની પાર્ટીથી પરત ફરી રહેલા એક જ પરિવારના ૧૬ સભ્યોના ભયાનક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા હતા. તે દુર્ઘટનામાં અનિયંત્રિત ટ્રકે એક વાનને ટક્કર મારી હતી, જેના કારણે તે સમયે બાહિયાના ગવર્નર દ્વારા ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં બારા માનસાની આ તાજેતરની ઘટનાએ ફરી એકવાર દેશમાં સુરક્ષા અને માર્ગ અકસ્માતોના ગંભીર મુદ્દાઓને સપાટી પર લાવી દીધા છે.

(11:37 PM IST)