<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

સાંગલીના કૂવામાંથી અચાનક પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી નીકળતાં ભારે આશ્ચર્ય: વીડિયો વાયરલ થતાં તંત્ર દોડતું થયું

જમીનમાંથી નીકળતા પ્રવાહીમાં દીવાસળી મુકતાં જ ભડકો થયો: નજીકના પેટ્રોલ પંપમાંથી લીકેજ હોવાની શંકા વચ્ચે વૈજ્ઞાનિક તપાસની માંગ

સાંગલી : મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ઉમાડી ગામમાં એક ખેડૂતના કૂવામાંથી પાણીને બદલે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી નીકળવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સળવળાટ મચી ગયો છે. જાટ તાલુકામાં આવેલ ધુંડપ્પા માલી નામના ખેડૂતના કૂવામાં પાણીની સપાટી પર તૈલી પદાર્થ તરતો જોવા મળતાં સ્થાનિક લોકોએ તેને બહાર કાઢીને ચકાસણી હાથ ધરી હતી. આ પ્રવાહીમાં દીવાસળી મુકતાં જ આકાશમાં જ્વાળાઓ ઊંચી ઊઠી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વહીવટીતંત્ર તુર્ત જ હરકતમાં આવ્યું હતું.

 

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા અર્ધા-એક વર્ષથી આ કૂવાના પાણીમાંથી ઈંધણ જેવી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી, પરંતુ તાજેતરમાં પાણી પર પ્રવાહીનું જાડું પડ દેખાવા લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના ઉત્સુક લોકોએ ડોલ વડે કૂવામાંથી આ પ્રવાહી બહાર કાઢી જમીન પર રેડીને આગ ચાંપી જોતાં જ તે ભડભડ સળગી ઊઠ્યું હતું. કૂવાની આસપાસ લોકોના ટોળાં ઉમટી પડતાં વિષય ગંભીર બન્યો હતો.

 

આ કૂવો નજીકના એક પેટ્રોલ પંપથી આશરે ૩૦૦ મીટરના અંતરે આવેલો હોવાથી, ભૂગર્ભ સ્ટોરેજ ટાંકી અથવા ભૂગર્ભમાં રહેલી પાઇપલાઇનમાંથી પેટ્રોલ લીક થઈને કૂવાના જળસ્તર સુધી પહોંચ્યું હોવાની પ્રબળ આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતાં તેમની સિસ્ટમમાં કોઈ લીકેજ મળ્યું હોવાનો ઈનકાર કરવામાં આવ્યો છે, જેથી આ પ્રવાહીના વાસ્તવિક સ્ત્રોત અંગે રહસ્ય ઘેરાયું છે.

 

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મહેસૂલ વિભાગના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી હતી અને ઘટના અંગે પંચનામું કર્યું હતું. નિષ્ણાતોના મતે, જમીનમાંથી કુદરતી રીતે સીધું જ સળગી જાય તેવું રિફાઇન્ડ પેટ્રોલ નીકળવું અશક્ય છે, કારણ કે ક્રૂડ ઓઇલમાંથી શુદ્ધિકરણ બાદ જ ગેસોલિન બને છે. આથી, આ કોઈ કૃત્રિમ લીકેજ અથવા કેમિકલ ભળવાની ઘટના હોઈ શકે છે, જેની સત્તાવાર પુષ્ટિ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

 

અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં પણ વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં જૂની ઈંધણ ટાંકીઓમાં લીકેજના કારણે આસપાસના કુવા કે બોરવેલનું પાણી દૂષિત થવાના બનાવો બની ચૂક્યા છે. આ પ્રકારનું જ્વલનશીલ પ્રવાહી ભૂગર્ભ જળમાં ભળવું એ પર્યાવરણ અને સ્થાનિક નિવાસ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

 

હાલમાં વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કૂવાની આસપાસ બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે અને ગ્રામજનોને આ કૂવાના પાણીનો ઉપયોગ ન કરવા તથા અગ્નિથી દૂર રહેવાની કડક સૂચના આપી દેવામાં આવી છે. વૈજ્ઞાનિક તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ પ્રવાહીની સાચી ઓળખ થશે. ત્યાં સુધી ભૂગર્ભ જળની સુધારણા માટે યોગ્ય પગલાં લેવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(8:35 PM IST)