તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
કોંગ્રેસ અને ડીએમકેના રાજકીય સંબંધોમાં સર્જાયેલી ભારે ખાઈ સપાટી પર: રાહુલ ગાંધીના જન્મદિવસે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્ટાલિનની માત્ર ઔપચારિક શુભેચ્છાથી દક્ષિણ ભારતના રાજકારણમાં મોટો ગરમાવો
ગયા વર્ષે રાહુલ ગાંધીને 'વિચારોના ભાઈ' ગણાવનારા સ્ટાલિને આ વખતે ટ્વીટમાંથી 'બ્રધર' શબ્દ ગાયબ કરી માત્ર 'વિપક્ષના નેતા' તરીકે સંબોધ્યા, જ્યારે બીજી તરફ કોંગ્રેસના નવા સાથી બનેલા થાલાપતિ વિજયે રાહુલને 'ભાઈ' કહીને ઉમળકાભેર વધાવ્યા

નવી દિલ્હી/ચેન્નાઈ: રાજકારણમાં સમય અને સમીકરણો કેટલી ઝડપે બદલાય છે તેનો જીવંત પુરાવો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જન્મદિવસે જોવા મળ્યો છે. લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિન નિમિત્તે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે (DMK) પ્રમુખ એમ.કે. સ્ટાલિન દ્વારા મોકલવામાં આવેલા અત્યંત ટૂંકા અને ઔપચારિક શુભેચ્છા સંદેશાએ કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ અને વધતા જતા અંતરને સરેઆમ દેશની સામે લાવી દીધું છે.
ગત વર્ષે ૧૯ જૂન ૨૦૨૫ના રોજ એમ.કે. સ્ટાલિને રાહુલ ગાંધી માટે અત્યંત લાગણીસભર અને ખાસ સંદેશ લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, "આપણે લોહીના સંબંધથી નહીં, પરંતુ વિચારધારા, વિઝન અને સમાન ઉદ્દેશ્યોથી જોડાયેલા ભાઈઓ છીએ. તમે મજબૂતાઈથી આગળ વધો, એક ઉત્તમ ભારત તરફ આપણી જીત થશે." જોકે, બરાબર એક વર્ષ બાદ શુક્રવારે સ્ટાલિનના સૂર સંપૂર્ણપણે બદલાયેલા જોવા મળ્યા હતા. આ વર્ષે મોકલવામાં આવેલા સંદેશામાંથી ગરમજોશી ગાયબ હતી અને સંબંધોની જગ્યાએ માત્ર વ્યાવસાયિક ઔપચારિકતા દેખાતી હતી. સ્ટાલિને આ વખતે માત્ર એટલું જ લખ્યું કે, "માનનીય વિપક્ષના નેતા થિરુ રાહુલ ગાંધીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. હું આપના સારા સ્વાસ્થ્ય અને સુખમય જીવનની કામના કરું છું."
બંને પક્ષો વચ્ચે પેદા થયેલી આ કડવાશ પાછળ તમિલનાડુની આંતરિક રાજકીય ખેંચતાણ મુખ્ય જવાબદાર માનવામાં આવી રહી છે. તમિલનાડુ ચૂંટણી બાદ કોંગ્રેસે અભિનેતામાંથી રાજનેતા બનેલા જોસેફ વિજય (થાલાપતિ વિજય)ની પાર્ટી ટીવીકે (TVK - તમિલાગ વેટ્રિક કઝગમ) સાથે નવું ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો હતો, જેનાથી ડીએમકે ભારે નારાજ થઈ ગઈ છે. આ નારાજગી એટલી હદે વધી ગઈ છે કે ડીએમકેએ માત્ર કોંગ્રેસથી દૂરી નથી બનાવી, પરંતુ ઇન્ડિયા (INDIA) બ્લોકની તાજેતરની બેઠકોનો પણ બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં, ડીએમકે દ્વારા લોકસભા સ્પીકરને પત્ર લખીને ગૃહમાં પોતાના સાંસદો માટે અલગથી બેસવાની વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી છે, જે ગઠબંધન તૂટવાની કતાર પર હોવાનો સ્પષ્ટ સંકેત છે.
બીજી તરફ, સ્ટાલિનના આ ઠંડા પ્રતિભાવની સામે કોંગ્રેસના નવા સાથીદાર અને તમિલનાડુના રાજકારણમાં ઉભરી રહેલા નેતા થાલાપતિ વિજયે રાહુલ ગાંધીને ખૂબ જ ઉમળકાભેર શુભેચ્છા પાઠવી હતી. વિજયે રાહુલ ગાંધીને પોતાના 'ભાઈ' તરીકે સંબોધિત કરતા દેશની પ્રગતિ, લોકતાંત્રિક મૂલ્યો અને સમાજના કલ્યાણ માટે સતત અવાજ ઉઠાવનારા પ્રભાવશાળી નેતા ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ પણ વિજયની આ ગરમજોશીનો સ્વીકાર કરીને વળતો જવાબ આપ્યો હતો અને તમિલનાડુના લોકોના કલ્યાણ, સન્માન અને આકાંક્ષાઓ માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.
જોકે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રાહુલ ગાંધીએ એમ.કે. સ્ટાલિનના ઔપચારિક સંદેશાનો જવાબ ખૂબ જ ચતુરાઈપૂર્વક અને સુલેહભર્યા અંદાજમાં આપવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલે પોતાના વળતા સંદેશમાં લખ્યું કે, "ભારતની મૂળ ભાવના, આપણા બંધારણ અને સંઘવાદની રક્ષા કરવાનો આપણો સંયુક્ત સંકલ્પ આપણને ભવિષ્યમાં પણ માર્ગ બતાવતો રહેશે. આ આપણા લોકશાહીના આત્માને બચાવવાની લડાઈ છે અને જ્યાં સુધી આપણે વિજયી નહીં થઈએ ત્યાં સુધી સાથે મળીને લડતા રહીશું." હવે એ જોવાનું મહત્વનું રહેશે કે તમિલનાડુમાં ટીવીકે સાથે કોંગ્રેસની વધી રહેલી નિકટતા વચ્ચે, ડીએમકે રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધીની આ એકતાની અપીલને સ્વીકારે છે કે પછી બંને પક્ષો વચ્ચેના રસ્તા કાયમ માટે અલગ થઈ જાય છે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
