<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ૧૧૫૦ કરોડનું કોકેઈન ડ્રગ્સ પકડાતાં દેશભરમાં સનસનાટી : દરિયાઈ માર્ગે કરોડોના નશાની આંતરરાષ્ટ્રીય દાણચોરીનો કારસો એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં નિષ્ફળ બનાવ્યો

બ્રાઝિલથી લોડ થઈ પાકિસ્તાનના કરાચી થઈને દિલ્હી મોકલાતો ૧૧૫ કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો હુંકાર - ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે - ગુજરાતને ગેટ-વે બનવા નહીં દેવાય

 ભુજ:  કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ફરી એકવાર અબજો રૂપિયાની કિંમતનો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનો જથ્થો ઝડપાવાની ચોંકાવનારી ઘટના સામે આવતા દેશની સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), ભારતીય કોસ્ટગાર્ડ અને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના સંયુક્ત હાઈપ્રોફાઈલ ઓપરેશનમાં મુન્દ્રા પોર્ટ નજીકથી આશરે ૧૧૫૦ કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતો ૧૧૫ થી ૧૧૮ કિલોગ્રામ જેટલો શુદ્ધ કોકેઈન ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ વિરોધી આ આકરી અને મોટી કાર્યવાહીમાં સુરક્ષા એજન્સીઓને અભૂતપૂર્વ સફળતા મળી છે. આ ભવ્ય સફળતા બદલ તમામ એજન્સીઓના જાંબાઝ અધિકારીઓને અભિંદન પાઠવતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત કરીને ડ્રગ્સ માફિયાઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, અમારી સરકાર અને સુરક્ષા દળો એક ટીમ બનીને ડ્રગ્સ માફિયાઓ પર કડક કાર્યવાહી કરી રહ્યા છે અને કોઈ પણ કાળે ગુજરાતને ડ્રગ્સનું ગેટ-વે બનવા દેવામાં આવશે નહીં.

સમગ્ર ઓપરેશન અંગે સૂત્રોમાંથી મળતી સઘન માહિતી મુજબ, કચ્છના મુન્દ્રા દરિયાકાંઠા નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં 'યુરોપ' નામના એક અત્યંત શંકાસ્પદ વિદેશી જહાજ (શીપ) ને એજન્સીઓ દ્વારા વ્યુહાત્મક રીતે ઘેરીને આંતરવામાં આવ્યું હતું. આ ઇન્ટરનેશનલ ઓપરેશન દરમિયાન સ્થાનિક મુન્દ્રા કસ્ટમને સાઈડ ઉપર રાખીને એટીએસ અને કોસ્ટગાર્ડે અચાનક ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે નશાનો આ અબજો રૂપિયાનો જથ્થો મૂળ બ્રાઝિલ દેશમાંથી જહાજ પર લોડ કરવામાં આવ્યો હતો. આ જહાજ બ્રાઝીલથી રવાના થઈને લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને પાકિસ્તાનના કાંઠે આવેલા કરાચી (કાસીમ) બંદર થઈને છેક ગુજરાતમાં કચ્છના મુન્દ્રા પાસે પહોંચ્યું હતું. આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ દ્વારા કોકેઈનનો આ જંગી જથ્થો વાયા ગુજરાત થઈને દેશની રાજધાની દિલ્હી ખાતે સપ્લાય કરવાનો મોટો કારસો ઘડવામાં આવ્યો હતો, જેને એજન્સીઓએ સમયસૂચકતા વાપરીને નિષ્ફળ બનાવ્યો છે. આ અંગેની સત્તાવાર વિગતો હવે એટીએસ દ્વારા અમદાવાદ મધ્યે જાહેર કરવામાં આવશે તેવી ચર્ચા છે.

 તાન્ઝાનિયાનો નાગરિક પકડાયો, બીજાએ મધદરિયે છલાંગ લગાવી:

સંયુક્ત એજન્સીઓએ આ મસમોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટના કનેક્શનમાં જહાજ પર સવાર તાન્ઝાનિયા દેશના નાગરિક જુમા નાસિર ઓમરની સ્થળ પરથી જ અટકાયત કરીને ધરપકડ કરી લીધી છે. જોકે, જ્યારે સુરક્ષા એજન્સીઓએ આ જહાજ પર દરોડો પાડ્યો, ત્યારે કાયદાના સિકંજામાં પકડાઈ જવાના ડરથી જહાજમાં સવાર અન્ય એક વિદેશી નાગરિકે બચવા માટે મધદરિયે સમુદ્રના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. હાલ કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમો દ્વારા સમુદ્રમાં કૂદેલા આ ફરાર વિદેશી તસ્કરને ઝડપી પાડવા માટે દરિયામાં વ્યાપક સર્ચ ઓપરેશન અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 મુન્દ્રા પોર્ટ અને કચ્છનો દરિયાકાંઠો રડારમાં:

અત્રે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા બંદરેથી ગત ૧૫ મે ના રોજ જ ૧૫૫ કરોડથી વધુની કિંમતનું 'કેપ્ટામાઈન' નામનું ઘાતક જેહાદી ડ્રગ્સ ઝડપાયું હતું, જેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આ બીજો મોટો જથ્થો પકડાતા તંત્ર એલર્ટ બન્યું છે. આ પૂર્વે પણ મુન્દ્રા પોર્ટ પરથી ૨૨ હજાર કરોડનો ડ્રગ્સનો ઐતિહાસિક અને વિક્રમી જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. આ સિવાય કચ્છના અબડાસાના જખૌથી લઈને લખપતના કોટેશ્વર સુધીના વિશાળ દરિયાકાંઠાના બિનવારસુ વિસ્તારોમાંથી પણ અવારનવાર ડ્રગ્સના બિનવારસુ પેકેટો ઝડપાવવાનો સિલસિલો સતત ચાલુ જ રહ્યો છે. પત્રકાર વિનોદ ગાલાના વિશેષ અહેવાલ મુજબ, ડ્રગ્સના આ દૈત્ય વડે રાષ્ટ્રને ખોખલું બનાવવા માંગતા દેશ અને વિદેશના દાણચોરો સામે હવે જડમૂળથી સયુંકત તપાસ શરૂ કરી દેવાઈ છે.

(3:08 PM IST)