News of Saturday, 20th June 2026
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર સામે હિન્દુ સમાજનો પ્રચંડ આક્રોશ: પાટનગર ઢાકામાં વિશાળ વિરોધ પ્રદર્શન યોજીને સુરક્ષા અને સમાન અધિકારોની માંગ સાથે ‘જય શ્રી રામ’ના નારાથી ગુંજી ઉઠ્યું આખું શહેર
દેશભરમાં હિન્દુઓ અને તેમનાં ધાર્મિક સ્થળો પર થઈ રહેલા હિંસક હુમલાઓ સામે લઘુમતી સમુદાય રસ્તા પર ઉતાર્યો: વચગાળાની સરકાર સમક્ષ ન્યાય અને કડક કાયદાકીય રક્ષણ પૂરું પાડવાની કરાઈ જોરદાર માંગ

ઢાકા:બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા સત્તાપલટા અને રાજકીય અસ્થિરતા વચ્ચે લઘુમતી હિન્દુ સમુદાય પર વધી રહેલા હુમલા અને અત્યાચારના વિરોધમાં પાટનગર ઢાકા ખાતે એક ભવ્ય અને ઐતિહાસિક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ન્યાય રેલીમાં હજારોની સંખ્યામાં હિન્દુ સમાજના લોકો, સંતો અને અગ્રણીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ પોતાના પર થઈ રહેલા અત્યાચારો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સમગ્ર વિસ્તાર ‘જય શ્રી રામ’ તેમજ ‘હર હર મહાદેવ’ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઢાકાના શાહબાગ વિસ્તારમાં એકત્રિત થયેલા વિશાળ જનમેદનીએ વચગાળાની સરકાર સમક્ષ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાકીદની માંગ કરી છે. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે, સરકાર બદલાયા બાદ દેશના જુદા જુદા ભાગોમાં હિન્દુઓના ઘરો, વેપાર-ધંધા અને પવિત્ર મંદિરોને નિશાન બનાવીને લૂંટફાટ તેમજ તોડફોડ કરવામાં આવી રહી છે, જેના કારણે લઘુમતીઓમાં ભારે ભયનો માહોલ વ્યાપેલો છે.
હિન્દુ સંગઠનોની મુખ્ય માંગણીઓ:
ન્યાયિક તપાસ: હિન્દુ સમુદાય પર અત્યાર સુધી થયેલા તમામ હિંસક હુમલાઓની નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે.
ખાસ સુરક્ષા કાયદો: લઘુમતીઓના જાન-માલ અને ધાર્મિક સ્થાનોની રક્ષા માટે દેશમાં એક વિશેષ સુરક્ષા કાયદો અમલમાં મૂકવામાં આવે.
મંત્રાલયની સ્થાપના: લઘુમતી સમુદાયના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે અલગ મંત્રાલય અથવા સ્વાયત્ત કમિશનની રચના કરવામાં આવે.
સમાન અધિકાર: બાંગ્લાદેશના બંધારણ મુજબ હિન્દુઓને પણ સમાન નાગરિક અધિકારો અને મુક્તપણે ધાર્મિક સ્વતંત્રતા ભોગવવાની ગેરંટી મળે.
વિરોધ પ્રદર્શન દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે, હિન્દુઓ સદીઓથી આ ભૂમિ પર શાંતિપૂર્વક રહે છે અને દેશના વિકાસમાં તેમનું મોટું યોગદાન છે. આમ છતાં, દર વખતે રાજકીય અસ્થિરતાનો ભોગ લઘુમતીઓને બનવું પડે છે, જે હવે સહન કરવામાં નહીં આવે. જો સરકાર દ્વારા તેમની ન્યાયી માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર દેશમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ પ્રદર્શનના પગલે ઢાકા પોલીસ અને સુરક્ષા દળો દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
