<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

કાશ્‍મીરમાં પ્રવાસીઓનો ભારે ધસારોઃ ત્રાસવાદીઓને જડબાતોડ જવાબઃ સોનમર્ગમાં ૨ લાખ પ્રવાસીઓ ઉમટયા

પહેલગામમાં પણ પ્રવાસીઓનો આંકડો ૧૦ લાખને પારઃ આતંકી હુમલા બાદ ફરી ધમધમ્‍યું કાશ્‍મીર

શ્રીનગર તા.૨૪: કાશ્‍મીર ખીણમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનમર્ગમાં લગભગ ૨ લાખ અને છેલ્‍લા એક વર્ષમાં પહેલગામમાં ૧૦ લાખ જેટલા પ્રવાસીઓ નોંધાયા છે. એક વર્ષ પહેલા પહેલગામમાં થયેલા આતંકી હુમલા છતાં પ્રવાસીઓની આ વધતી સંખ્‍યા પાકિસ્‍તાન પ્રેરિત આતંકવાદીઓના ગાલ પર મોટો તમાચો છે.

કાશ્‍મીરમાં આવતા પ્રવાસીઓને ડરાવવા માટે એક વર્ષ પહેલા પહેલગામના બૈસરનમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓની હત્‍યા કરનાર પાકિસ્‍તાન સમર્થિત તત્‍વોને આ આંકડાઓએ જડબાતોડ જવાબ આપ્‍યો છે. આતંકવાદીઓ તેમના મનસૂબામાં નિષ્‍ફળ ગયા છે અને કાશ્‍મીર આવતા પ્રવાસીઓની સંખ્‍યા આ વાતની સાક્ષી છે.

સોનમર્ગના પ્રખ્‍યાત હેલ્‍થ રિસોર્ટમાં વર્ષ ૨૦૨૬ ના જાન્‍યુઆરીથી માર્ચ વચ્‍ચે કુલ ૧,૯૮,૪૨૫ સ્‍થાનિક અને વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. સત્તાવાર આંકડાઓ મુજબ, જાન્‍યુઆરીમાં સૌથી વધુ ૯૮,૨૧૬ પ્રવાસીઓ આવ્‍યા હતા, જ્‍યારે ફેબ્રુઆરીમાં ૬૧,૧૨૮ અને માર્ચમાં ૩૯,૦૮૧ લોકોએ સોનમર્ગની મુલાકાત લીધી હતી.

બીજી તરફ માત્ર સોનમર્ગ જ નહીં પરંતુ પહેલગામ પણ નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. ગયા વર્ષે ૨૨ એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં ૨૫ પ્રવાસીઓ અને એક સ્‍થાનિક યુવાનનો જીવ ગયો હતો. આ હુમલા બાદ મે ૨૦૨૫ માં પ્રવાસીઓની સંખ્‍યા ઘટીને માત્ર ૧૫,૩૦૨ થઈ ગઈ હતી. જોકે, સ્‍થિતિ સામાન્‍ય થતાં પ્રવાસીઓનો પ્રવાહ સતત વધતો રહ્યો છે.

જમ્‍મુ કાશ્‍મીર પ્રવાસન વિભાગના આંકડા અનુસાર, એપ્રિલ ૨૦૨૫ થી એપ્રિલ ૨૦૨૬ વચ્‍ચે પહેલગામમાં કુલ ૯,૯૩,૫૯૬ પ્રવાસીઓ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન થાઈલેન્‍ડ, સિગાપોર અને મલેશિયા જેવા દેશોમાંથી ૯,૬૩૮ વિદેશી પ્રવાસીઓએ પણ મુલાકાત લીધી હતી. વર્ષ ૨૦૨૩ થી એપ્રિલ ૨૦૨૬ સુધીના કુલ આંકડા પર નજર કરીએ તો ૪૦,૬૦,૯૦૯ પ્રવાસીઓ પહેલગામ આવી ચૂક્‍યા છે. આ દર્શાવે છે કે આતંકવાદીઓના ડરને ફગાવીને પ્રવાસીઓ મુક્‍તમને કાશ્‍મીરની સુંદરતા માણી રહ્યા છે.

(12:24 PM IST)