તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
ગ્લોબલ માર્કેટના આંચકા વચ્ચે ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનો પ્રચંડ એક્ઝિટ લોડ: મે મહિનામાં ₹૨૭,૦૦૦ કરોડ સ્વેહા
યુએસ ડોલરની મજબૂતાઈ અને ક્રૂડ ઓઇલના ભડકા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ વર્ષે અધધ ₹૨.૨ લાખ કરોડ પાછા ખેંચ્યા; આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટર તરફ વૈશ્વિક ફંડ્સ ડાયવર્ટ થતા ભારતીય બજારોમાં દબાણ વધ્યું.

મુંબઈ: વૈશ્વિક સ્તરે આર્થિક મોરચે સર્જાયેલી ભારે અનિશ્ચિતતા અને ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર ભારતીય મૂડીબજાર પર જોવા મળી રહી છે. ચાલુ મે મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPIs) ભારતીય શેરબજારમાંથી આક્રમક વેચવાલી કરીને અંદાજે ₹૨૭,૦૪૮ કરોડનું ભંડોળ પાછું ખેંચી લીધું છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ના તાજા આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૬ ના શરૂઆતના ગણતરીના મહિનાઓમાં જ વિદેશી રોકાણકારોનો કુલ ઉપાડ ₹૨.૨ લાખ કરોડના આંચકાજનક સ્તરે પહોંચી ગયો છે, જે ગત ૨૦૨૫ ના સમગ્ર વર્ષના કુલ આઉટફ્લો કરતા પણ ઘણો વધારે છે.
બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી મહિનાના એક ટૂંકા ગાળાને બાદ કરતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત મોટા વેચાણકર્તા ભૂમિકામાં રહ્યા છે. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં રોકાણકારોએ ₹૩૫,૯૬૨ કરોડ પાછા ખેંચ્યા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં વલણ બદલાતા છેલ્લા ૧૭ મહિનાનું સૌથી મોટું ₹૨૨,૬૧૫ કરોડનું રોકાણ આવ્યું હતું. જો કે, આ રાહત લાંબી ટકી ન હતી અને માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક ₹૧.૧૭ લાખ કરોડ તેમજ એપ્રિલમાં વધુ ₹૬૦,૮૪૭ કરોડનું આંધણ વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી ખાલી કરી નાખતા સેન્સેક્સ અને નિફ્ટી પર ભારે દબાણ સર્જાયું હતું.
મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના પ્રિન્સિપલ મેનેજર હિમાંશુ શ્રીવાસ્તવે આ ગંભીર પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા જણાવ્યું છે કે, અમેરિકી ડોલરનું સતત મજબૂત થવું અને યુએસ બોન્ડ યીલ્ડમાં થયેલો વધારો વિદેશી ફંડ્સને ભારત જેવા ઉભરતા બજારોમાંથી બહાર ખેંચી રહ્યો છે. વૈશ્વિક ફુગાવાના કારણે વિશ્વની મુખ્ય મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની ગતિ ધીમી પડતા વૈશ્વિક ઇન્વેસ્ટર્સ હવે રક્ષણાત્મક વલણ અપનાવી રહ્યા છે અને સલામત ગણાતા પશ્ચિમી બજારો તરફ વળી રહ્યા છે, જેના કારણે ભારત સહિતના ઉભરતા દેશોએ મોટો ફાઇનાન્સિયલ ફટકો સહન કરવો પડ્યો છે.
અન્ય એક અગ્રણી નાણાકીય સંસ્થા જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના મુખ્ય વ્યુહરચનાકાર વીકે વિજયકુમારે લાલબત્તી ધરતા ઉમેર્યું છે કે, વિદેશી રોકાણકારો દ્વારા થઈ રહેલા આ અવિરત વેચાણ અને દેશની વધતી જતી ચાલુ ખાતાની ખાધ (CAD) ના લીધે ભારતીય રૂપિયાના મૂલ્ય પર અભૂતપૂર્વ દબાણ વધ્યું છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહેશે અને એફપીઆઈનો બજારમાંથી આઉટફ્લો આ જ ગતિએ ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં રૂપિયો અમેરિકી ડોલર સામે વધુ નબળો પડીને રેકોર્ડ નીચલી સપાટીએ પહોંચી શકે છે.
એવિએશન અને એનર્જી સેક્ટર ઉપરાંત આ વેચવાલી પાછળ એક નવું તકનીકી કારણ પણ સામે આવ્યું છે. વિશ્લેષકોના મતે, હાલમાં સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ટેકનોલોજી કંપનીઓમાં રોકાણ કરવાનો મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભારત હાલ વૈશ્વિક સ્તરે એઆઈ સેક્ટરમાં પશ્ચિમી દેશોની સરખામણીએ થોડું પાછળ હોવાનું મનાય છે, જેના લીધે મોટા ગ્લોબલ ફંડ્સ ભારતીય બજારમાંથી નાણાં પરત ખેંચીને એઆઈ પાવર્ડ આંતરરાષ્ટ્રીય ટેક જાયન્ટ્સમાં રોકાણ વધારી રહ્યા છે, જે દલાલ સ્ટ્રીટ માટે ચિંતાનો વિષય બન્યો છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
