<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

દેહરાદૂનમાં બજરંગ દળના કાર્યકરો દ્વારા જૂતાના શોરૂમમાં ઘૂસીને ભારે હંગામો : મેનેજરોના નામની પટ્ટીઓ પર ‘જેહાદી’ લખતા વિવાદ

હિન્દુ સંગઠનના હોદ્દેદારોએ શોરૂમમાં બિન-સ્થાનિક મુસ્લિમ કર્મચારીઓની નિમણૂક સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો : પોલીસે ફરિયાદ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી

દેહરાદૂન : ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાંથી સામાજિક શાંતિને ડહોળતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીના પલટન બજાર નજીક આવેલા ધારા ચોકી વિસ્તારમાં સ્થિત એક જાણીતા જૂતાના (ફૂટવેર) શોરૂમમાં બજરંગ દળના કેટલાક કાર્યકરો અને અગ્રણીઓએ અચાનક ઘૂસી જઈને ભારે હંગામો મચાવ્યો હતો. આ ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ શોરૂમના મુસ્લિમ મેનેજરોના નામના ટેગ (નામની પટ્ટીઓ) પર કાળા રંગથી ‘જેહાદી’ શબ્દ લખી નાખ્યો હતો, જેને પગલે બજારના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.

 

આ ઘટના અંગે બજરંગ દળના સ્થાનીય નેતા વિકાસ વર્માએ દાવો કર્યો હતો કે શોરૂમમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાના બદલે બહારના રાજ્યોમાંથી ચોક્કસ સમુદાયના મુસ્લિમ યુવાનોને લાવીને મેનેજર અને કર્મચારી તરીકે રાખવામાં આવ્યા છે. સંગઠનનો આરોપ છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ પાછળ સ્થાનિક ડેમોગ્રાફી અને સુરક્ષાને અસર થવાની ભીતિ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓએ આ બાબતે પહેલા પોલીસનો સંપર્ક કેમ ન કર્યો, ત્યારે વર્માએ એવો આક્ષેપ કર્યો હતો કે ભૂતકાળમાં આવા જ મુદ્દાઓ પર વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા.

 

બીજી તરફ, ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. દેહરાદૂનના એસપી (સિટી) પ્રમોદ કુમારે સમગ્ર મામલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, પોલીસને હજુ સુધી આ બાબતે શોરૂમના સંચાલકો કે પીડિત કર્મચારીઓ તરફથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ પણ પક્ષ પોલીસનો સંપર્ક કરશે અને સત્તાવાર ફરિયાદ નોંધાવશે, તો કાયદાના દાયરામાં રહીને તોફાની તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

ધારા પોલીસ ચોકીના પ્રભારી સબ-ઇન્સ્પેક્ટર સંદીપ કુમારે પણ જણાવ્યું હતું કે આસપાસના સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે બજારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અહેવાલો અનુસાર, બજરંગ દળના નિશાના પર આવેલા બંને મેનેજરો ઘટના બાદ મીડિયા સમક્ષ ટિપ્પણી કરવા માટે ઉપલબ્ધ નહોતા. વેપારી મંડળોએ આ પ્રકારની ગુંડાગર્દી સામે નારાજગી વ્યક્ત કરીને વ્યાપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી છે.

(10:35 PM IST)