News of Saturday, 12th September 2026
પશ્ચિમ બંગાળના હાવડામાં ડી.એલ.એડ. પરીક્ષા દરમિયાન સુરક્ષાના નામે હદ વટાઈ: મહિલા ઉમેદવારોની બળજબરીથી કપડાં ઉતારીને તલાશી લેવાઈ હોવાના ગંભીર આરોપોથી ચકચાર
ખાનગી એજન્સીની મહિલા બાઉન્સરો પર અંડરગાર્મેન્ટ કઢાવવા અને ગુપ્ત અંગોને સ્પર્શ કરવાના આક્ષેપ: પીડિત વિદ્યાર્થીઓની લેખિત ફરિયાદના આધારે સંકરૈલ પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ શરૂ

હાવડા : પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાંથી શિક્ષણ જગતને હચમચાવી નાખતી એક અત્યંત શરમજનક અને સંવેદનશીલ ઘટના સામે આવી છે. હાવડાના સંકરૈલ સ્થિત સરકારી ગર્લ્સ હાઇસ્કૂલમાં ચાલી રહેલી ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (D.El.Ed.) ની પરીક્ષા દરમિયાન મહિલા ઉમેદવારો સાથે અત્યંત ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. પરીક્ષા આપવા પહોંચેલી યુવતીઓ અને મહિલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે ચેકિંગના નામે ખાનગી એજન્સીની મહિલા બાઉન્સરો દ્વારા તેમની મર્યાદાનું ઉલ્લંઘન કરીને બળજબરીપૂર્વક કપડાં અને અન્ડરગાર્મેન્ટ પણ ઉતારવામાં આવ્યા હતા તેમજ તેમના ગુપ્ત ભાગોને સ્પર્શ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના ૮ સપ્ટેમ્બરથી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન ચાલી રહેલી પરીક્ષાના સત્રો દરમિયાન બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરીક્ષાર્થી યુવતીઓનું કહેવું છે કે ગેરરીતિ અટકાવવાના નામે સુરક્ષા તપાસના સ્વરૂપમાં તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પીડિત મહિલા ઉમેદવારો દ્વારા સંબંધિત સત્તાધીશો સમક્ષ લેખિત ફરિયાદો દાખલ કરવામાં આવ્યા બાદ, સંકરૈલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા સક્રિય થઈને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર મહિલાઓની સુરક્ષા અને ગોપનીયતાને લઈને ઉઠેલા આ ગંભીર સવાલોને કારણે રાજ્યભરમાં ભારે રોષ અને ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
