તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
દુબઈમાં ઘર સાફ કરવા માટે કામવાળી બાઈ કેટલા રૂપિયા લે છે?
૭૦૦થી ૧,૨૫૦ રૂપિયા પ્રતિ કલાકઃ ફુલ ટાઈમ કામવાળી રાખો તો આશરે ૩૪,૫૦૦થી ૮૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિનો થાય છે

દુબઈ,તા.૮: દુબઈમાં રહેવું ઘણા લોકોનું સપનું હોય છે. ઊંચી-ઊંચી ઇમારતો, લક્ઝરી કાર અને શાનદાર લાઇફસ્ટાઇલની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. પરંતુ દુબઈની જિદગી સાથે જોડાયેલી એક એવી બાબત પણ છે, જેના વિશે બહુ ઓછા લોકો વાત કરે છે. અહીં ઘરની સફાઈ કરતી કામવાળી બાઈ અથવા હેલ્પર રાખવામાં કેટલો ખર્ચ થાય છે? જો ભારતીય રૂપિયામાં તેનો હિસાબ કરવામાં આવે તો આ રકમ જાણીને તમે પણ માથું ખંજવાળવા લાગશો.
દુબઈમાં ઘરની સફાઈ કરતી કામવાળી બાઈની કમાણી અને તેને રાખવાનો ખર્ચ અનેક બાબતો પર નિર્ભર કરે છે. મેઈડને માત્ર થોડા કલાકો માટે બોલાવવામાં આવે છે કે તે આખા મહિના માટે કામ કરશે, ઉપરાંત ઘરનું કદ અને મેઈડનો અનુભવ પણ સેલરીમાં ફેરફાર કરી શકે છે. જો કોઈ પરિવારને દરરોજ મેઈડની જરૂર ન હોય અને માત્ર થોડા કલાકો માટે ઘરની સફાઈ કરાવવી હોય, તો દુબઈમાં એજન્સી મારફતે મળતી ઘરેલુ સફાઈ સેવાનો ખર્ચ સામાન્ય રીતે લગભગ ૩૦થી ૫૫ દિરહમ પ્રતિ કલાક હોય છે. જો ૧ દિરહમની કિમત લગભગ ૨૩ રૂપિયા માનવામાં આવે તો આ રકમ અંદાજે ૭૦૦થી ૧,૨૫૦ રૂપિયા પ્રતિ કલાક થાય છે.
એટલે કે જો કોઈ ઘરમાં ૪ કલાક સફાઈનું કામ કરાવવામાં આવે તો માત્ર એક દિવસની સર્વિસ માટે અંદાજે ૨,૮૦૦થી ૫,૦૦૦ રૂપિયા સુધી ખર્ચ થઈ શકે છે. જોકે, મેઈડની સેલરી અથવા સર્વિસ ચાર્જ એજન્સી, ઘરના કદ અને કામના પ્રકાર પ્રમાણે ઓછો-વધુ થઈ શકે છે. ઘણી એજન્સીઓ ઓછામાં ઓછા ૨થી ૪ કલાકની બુકિગની શરત પણ રાખે છે. બીજી તરફ, ૧ BHK જેવા નાના ઘરની એક વખતની સામાન્ય સફાઈ માટે લગભગ ૧૫૦થી ૨૫૦ દિરહમ એટલે કે આશરે ૩,૫૦૦થી ૫,૭૦૦ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે.
મહિનામાં ૮થી ૧૨ વખત મેઈડ બોલાવવા પર કેટલો ખર્ચ? - જો તમને દરરોજ મેઈડની જરૂર ન હોય, પરંતુ અઠવાડિયામાં બે કે ત્રણ વખત ઘરની સફાઈ કરાવવી હોય તો માસિક પેકેજ લેવું વધુ સુવિધાજનક બની શકે છે. આવા પાર્ટ-ટાઈમ પેકેજની કિમત લગભગ ૯૦૦થી ૧,૭૫૦ દિરહમ પ્રતિ મહિનો હોવાનું જણાવવામાં આવે છે. ભારતીય રૂપિયામાં આ રકમ આશરે ૨૦,૭૦૦થી ૪૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિના જેટલી થાય છે. એટલે કે મહિનામાં માત્ર ૮થી ૧૨ વખત ઘરની સફાઈ કરાવવા માટે પણ પરિવારને હજારો રૂપિયા ખર્ચવા પડી શકે છે.
ફુલ ટાઈમ કામવાળી રાખો તો કેટલા રૂપિયા આપવાના? - જો કોઈ પરિવાર ફુલ ટાઈમ કામવાળી રાખવા માગે છે તો ખર્ચ વધુ વધી જાય છે. દુબઈમાં ફુલ ટાઈમ ઘરેલુ કામદારની સેલરી તેના અનુભવ, કામ અને જવાબદારીઓ પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે આ રકમ લગભગ ૧,૫૦૦થી ૩,૫૦૦ દિરહમ પ્રતિ મહિના સુધી હોઈ શકે છે. ભારતીય રૂપિયામાં જોઈએ તો આ આશરે ૩૪,૫૦૦થી ૮૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિનો થાય છે.
અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે ફુલ ટાઈમ અથવા લિવ-ઈન ઘરેલુ કામદાર રાખવા પર માત્ર તેની સેલરી જ ખર્ચાતી નથી. લાગુ પડતા નિયમો અનુસાર એમ્પ્લોયરને વિઝા સ્પોન્સરશિપ, મેડિકલ ઇન્શ્યોરન્સ, રહેવાની વ્યવસ્થા અને અન્ય સંબંધિત ખર્ચ પણ ઉઠાવવા પડી શકે છે. આ કારણે વાર્ષિક ખર્ચ ઘણો વધી શકે છે. એટલે કાગળ પર જો મેઈડની સેલરી ૧,૫૦૦થી ૩,૫૦૦ AED હોય તો વાસ્તવિક વાર્ષિક ખર્ચ તેના કરતાં ઘણો વધારે હોઈ શકે છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
