તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
અમેરિકામાં મિડટર્મ ઈલેક્શન કેમ થાય છે અને તેનું મહત્વ કેટલું?

વોશિંગ્ટન,તા.૨૬: આખાય અમેરિકામાં હાલ જો સૌથી વધુ ચર્ચાઈ રહેલો કોઈ મુદ્દો હોય તો તે છે નવેમ્બર ૨૦૨૬માં થનારા મિડટર્મ ઈલેક્શન. ડોનલ્ડ ટ્રમ્પ માટે સૌથી મુશ્કેલ પરીક્ષા મનાતા આ ઈલેક્શનનું રિઝલ્ટ શું આવશે તે અંગે હાલ અલગ-અલગ પોલ્સમાં જાતભાતના દાવા કરવામાં આવી રહ્યા છે, તેનું રિઝલ્ટ જે આવે તે પણ આ આર્ટિકલમાં આપણે એ સમજીશું કે અમેરિકામાં મિડટર્મ ઈલેક્શન શેના માટે થાય છે અને કેમ તે ખૂબ જ મહત્વના છે અને ખાસ તો જો આ ચૂંટણીનું પરિણામ રિપબ્લિકન પાર્ટીના ધાર્યા અનુસાર ના આવ્યું તો ડોનલ્ડ ટ્રમ્પનું શું થશે?
લોકશાહી અપનાવવામાં દુનિયાનો સૌથી પહેલો કોઈ દેશ હોય તો છે અમેરિકા.. આ દેશની ઈલેક્શન સિસ્ટમ એટલી જબરજસ્ત છે કે ફુલ મેજોરિટી હોવા છતાંય તેનો પ્રેસિડેન્ટ પોતાની મનમાની નથી કરી શકતો, એટલે જ ટ્રમ્પના રાજમાં પણ અમેરિકાનું અત્યારસુધીનું શટડાઉન લાગ્યું હતું. અમેરિકાની બીજી એક ખાસિયત એ છે કે આ દેશમાં ઈલેક્શન ક્યારેય ખતમ જ નથી થતું, અમેરિકાના પ્રેસિડેન્ટ શપથ ગ્રહણ કરે તેના ગણતરીના દિવસોમાં જ તેમના માથે ક્યાંકને ક્યાંક પોતાની પાર્ટીના ઉમેદવારને ઈલેક્શન જીતાડવાની જવાબદારી આવી પડતી હોય છે. મજાની વાત એ છે કે ઈન્ડિયામાં અત્યારસુધી ઘણી સરકારો ટર્મ પૂરી કર્યા વિના જ ઘરભેગી થઈ છે પરંતુ અમેરિકાના ઈતિહાસમાં ક્યારેય આવું નથી થયું અને થવાનું પણ નથી. POTUS એટલે કે પ્રેસિડેન્ટ ઓફ ધી યુનાઈટેડ સ્ટેટ્સનો પક્ષ ભલે પ્રેસિડેન્શિયલ ઈલેક્શન બાદ થનારી ચૂંટણીઓમાં ગમે તેવું પ્રદર્શન કરે પરંતુ દેશના પ્રેસિડેન્ટને તેમની ટર્મ પૂરી થાય તે પહેલા સત્તા પરથી દૂર કરવા લગભગ અશક્ય છે.
હવે જો મિડટર્મ ઈલેક્શનની વાત કરીએ તો આ ચૂંટણી સેનેટ કે પછી હાઉસની બેઠકો જીતવા કે હારવાની જંગ નથી, આ ઈલેક્શન પ્રેસિડેન્ટ ટ્રમ્પની પાર્ટીના પોલિટિકલ ફયૂચર તેમજ સત્તા પર તેમની પકડ જાળવી રાખવા માટે ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. મિડટર્મ ઈલેક્શન તેના નામ પ્રમાણે પ્રેસિડેન્ટની ટર્મ અડધી પૂરી થાય ત્યારે થાય છે. ૨૦૨૬ની મિડટર્મમાં હાઉસ ઑફ રિપ્રઝેન્ટેટિવ્ઝની તમામ ૪૩૫ બેઠકો અને સેનેટની વન થર્ડ બેઠકો પર વોટિગ થવાનું છે, આ જ ઈલેક્શનની સાથે અમુક રાજ્યોના ગવર્નર અને બીજી કેટલીક સ્થાનિક ચૂંટણીઓ માટે પણ વોટિગ થશે. ૨૦૨૪માં થયેલા પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં ટ્રમ્પની પાર્ટીએ બમ્પર જીત મેળવી હતી, પરંતુ બે જ વર્ષમાં ડેમોક્રેટ્સ ફરી તેમને ટક્કર આપતા દેખાઈ રહ્યા છે. રિપબ્લિકન પાર્ટી ગમે તેમ કરી કોંગ્રેસમાં પોતાનું નિયંત્રણ જાળવી રાખવા ઈચ્છે છે જ્યારે ડેમોક્રેટ્સ બંને ગૃહોમાં મેજોરિટી મેળવવા મથી રહ્યા છે. જો ડેમોક્રેટ્સ ઈલેક્શનમાં આગળ રહ્યા તો ટ્રમ્પ માટે પોતાની પોલિસીને આગળ ધપાવવી મુશ્કેલ બની જશે.
ઈન્ડિયામાં જેમ સંસદના બે ગૃહો લોકસભા અને રાજ્યસભા છે તેમ અમેરિકામાં કોંગ્રેસના બે ગૃહો છે હાઉસ ઑફ રિપ્રઝેન્ટેટિવ્ઝ અને સેનેટ. આ બંનેની સત્તા અને જવાબદારીઓ ભલે અલગ હોય પરંતુ કાયદા ઘડવામાં તેમનો રોલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાઉસમાં ૪૩૫ મેમ્બર્સ હોય છે અને તેની ટર્મ બે વર્ષની જ હોય છે. આ જ કારણે પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં જંગી જીત મેળવનારા પ્રેસિડેન્ટ માટે ઘણીવાર મિડટર્મ બાદ હાઉસમાં બહુમતી જાળવવી મુશ્કેલ બની જાય છે. ટ્રમ્પની પહેલી ટર્મ અને ત્યારબાદ બાઈડનના કાર્યકાળમાં કંઈક આવું જ થયું હતું. તો બીજી તરફ, સેનેટમાં દરેક સ્ટેટના બે એમ કુલ ૧૦૦ સભ્યો હોય છે જેમની ટર્મ છ વર્ષની હોય છે અને વન થર્ડ સભ્યો દર બે વર્ષે રિટાયર્ડ થતા રહે છે. આ જ કારણે પ્રેસિડેન્શિયલ ઈલેક્શનના બે વર્ષ બાદ મિડટર્મ ઈલેક્શન યોજવામાં આવતા હોય છે.
જો રિપબ્લિકન પાર્ટી હાઉસમાં મેજોરિટી ગુમાવે તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સામે સંસદીય સમિતિઓ દ્વારા તપાસ કરવું ડેમોક્રેટ્સ માટે સરળ થઈ જાય અને જો સેનેટમાં તેમને બહુમતી મળે તો ટ્રમ્પ માટે પોતાની ઈચ્છા અનુસાર જે-તે પદાધિકારીની નિમણૂંક કરવું જરાય આસાન ના રહે. જોકે, એવુંય નથી કે રિપબ્લિકન પાર્ટી બંને ગૃહોમાં બહુમતી ગુમાવે તો ડેમોક્રેટ્સને ટ્રમ્પની દરેક પોલિસી બદલવાની સત્તા મળી જશે.. કોઈપણ બિલને કાયદાનું સ્વરૂપ આપવા માટે બંને ગૃહોની મંજૂરી આવશ્યક છે અને ત્યારબાદ પણ પ્રેસિડેન્ટ વીટો પાવર વાપરી શકવા માટે સ્વતંત્ર હોય છે. પ્રેસિડેન્ટના વીટો પાવરને ઉલ્ટાવવા માટે ટુ થર્ડ મેજોરિટી જરૂરી છે જે જરાય આસાન વાત નથી. આ ઉપરાંત અવારનવાર જાતભાતના એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ સાઈન કરતા ટ્રમ્પને જો મેજોરિટી ગુમાવવાનો વારો આવ્યો તો તેઓ મનફાવે તેમ આવા ઓર્ડર પણ ઈશ્યૂ નહીં કરી શકે.
અમેરિકાની પ્રજા પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં વોટિગ કરે ત્યારે તેને દેશના ભવિષ્યના પ્રેસિડેન્ટ પાસેથી ઘણી જ અપેક્ષા હોય છે, પણ નવાઈની વાત એ છે કે મિડટર્મ ઈલેક્શન આવે ત્યાં સુધીમાં પ્રજાનો મૂડ બદલાઈ જતો હોય છે. આ જ કારણે પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં જે પાર્ટીને પ્રજાએ ખોબલે-ખોબલે વોટ આપ્યા હોય છે તેને મિડટર્મ ઈલેક્શન બાદ મેજોરિટી ટકાવવામાં ફાંફા પડી જાય છે. જોકે, આ ટ્રેન્ડ દર વખતે જોવા મળે તે જરૂરી નથી. મિડટર્મમાં કયો પક્ષ આગળ રહેશે તેનો સમગ્ર આધાર કેન્ડિડેટ્સ, ચૂંટણીના મુદ્દા, મતદાનની ટકાવારી અને અમેરિકાની રાજકીય તેમજ વૈશ્વિક પરિસ્થિતિ પર આધાર રાખે છે. આ જ કારણે આ વખતના ઈલેક્શનમાં મોંઘવારીની સાથે ઈરાન વોર પણ ખૂબ જ મહત્વનો મુદ્દો બની ગયું છે.
બીજી એક રસપ્રદ વાત એ છે કે સત્તામાં પ્રેસિડેન્ટની પાર્ટી મિડટર્મમાં નબળું પ્રદર્શન કરે તો તેના માટે બે વર્ષ બાદ થનારા પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં જીતવું મુશ્કેલ બની જાય છે. ટ્રમ્પની પહેલી ટર્મ વખતે અને ત્યારબાદ સત્તા પર આવેલા બાઈડન સાથે આવું જ થયું હતું. મતલબ કે, ૨૦૨૦ના ઈલેક્શનમાં રિપબ્લિકન્સનો અને ૨૦૨૪ના ઈલેક્શનમાં ડેમોક્રેટ્સનો સફાયો થઈ ગયો હતો. મિત્રો, મિડટર્મ ઈલેક્શન વિશે આટલી માહિતી જાણ્યા બાદ આ ઈલેક્શન કેમ થાય છે અને કેમ તેનું ખૂબ જ મહત્વ છે તે આપને સમજાઈ ગયું હશે. હવે આપે અમને કમેન્ટમાં જણાવવાનું છે કે આ વખતના મિડટર્મ ઈલેક્શનમાં કઈ પાર્ટી આગળ રહેશે અને તેની ૨૦૨૮માં થનારા પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં શું અસર થઈ શકે છે?
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
