તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
લદ્દાખ ભારતનો અભિન્ન ભાગ કેવી રીતે બન્યો? તિબેટ, ચીન અને ડોગરા શાસન વચ્ચે ઘડાયેલો ૨,૦૦૦ વર્ષ જૂનો રોમાંચક અને ઐતિહાસિક પ્રવાસ
૧૮૩૪માં સેનાપતિ ઝોરાવર સિંહના વિજયથી લઈને ૧૯૪૭માં પાકિસ્તાની ઘૂસણખોરોને ભગાડવા અને ૨૦૧૯માં કલમ ૩૭૦ હટાવી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની સંપૂર્ણ કહાણી

જમ્મુ, તા.૨૧: હાલના દિવસોમાં લદ્દાખમાં 'પૂર્ણ રાજ્ય' નો દરજ્જો અને પોતાની વિધાનસભાની માંગણી સાથે પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકની આગેવાની હેઠળ આંદોલન અને પદયાત્રાઓ ગરમાઈ રહી છે. પરંતુ હિમાલય અને કારાકોરમ પર્વતમાળાઓની ગોદમાં છુપાયેલો આ વ્યૂહાત્મક પ્રદેશ ભારતનો અવિભાજ્ય અંગ કેવી રીતે બન્યો તેનો ઇતિહાસ અત્યંત રોમાંચક છે. લદ્દાખનો ૨,૦૦૦ વર્ષ જૂનો વૈવિધ્યસભર ઇતિહાસ દર્શાવે છે કે આ ક્ષેત્ર સદીઓથી તિબેટ, ચીન અને ભૂટાન જેવા પડોશી પ્રદેશોથી ઊંડો પ્રભાવિત રહ્યો હતો. ૧૭મી સદીના અંતમાં તિબેટ સાથેના સરહદી વિવાદો દરમિયાન લદ્દાખે પોતાની અલગ તિબેટીયન-બૌદ્ધ સંસ્કૃતિ અને સ્વાયત્તતા જાળવી રાખી હતી.
લદ્દાખના ભાગ્યમાં મોટો વળાંક ૧૯મી સદીની શરૂઆતમાં આવ્યો. જ્યારે શીખ સામ્રાજ્ય હેઠળ મહારાજા રણજીત સિંહના બહાદુર સેનાપતિ જનરલ ઝોરાવર સિંહ કહલુરિયાએ ૧૮૩૪માં લદ્દાખ પર આક્રમણ કરીને લદ્દાખી સૈન્યને પરાસ્ત કર્યું. ૧૮૪૨માં બળવો કચડી નાખ્યા બાદ લદ્દાખ સંપૂર્ણપણે જમ્મુ અને કાશ્મીરમાં એકીકૃત થઈ ગયું. ત્યારબાદ ૧૯૪૭માં વિભાજન સમયે પાકિસ્તાની આક્રમણકારોએ ૧૯૪૮માં કારગિલ અને ઝાંસ્કરમાં ઘૂસણખોરી કરી હતી, પરંતુ ભારતીય સેનાના જવાનોએ પરાક્રમ દાખવીને પાકિસ્તાની ઘૂસણખોરોને ભગાડી મૂક્યા હતા. તે જ સમયે મહારાજા હરિ સિંહે જોડાણ પત્ર પર હસ્તાક્ષર કરતાં લદ્દાખ સત્તાવાર રીતે ભારત સંઘનો ભાગ બન્યું હતું.
ચીન સાથે સરહદી તણાવ અને ૨૦૧૯માં અલગ UT બનવાની ઐતિહાસિક સફર
૧૯૪૯માં ચીનમાં સામ્યવાદી ક્રાંતિ અને ૧૯૫૦માં તિબેટ પર ચીની કબજા બાદ લદ્દાખની સરહદો પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. ચીને અક્સાઈ ચીન સહિત ભારતીય પ્રદેશ પર ગેરકાયદેસર રીતે રસ્તાઓ બનાવી કબજો જમાવ્યો, જેના જવાબમાં ભારતે શ્રીનગરથી લેહ સુધીનો વ્યૂહાત્મક હાઇવે બનાવીને સૈન્ય સંપર્ક મજબૂત કર્યો હતો. ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ના કારગિલ યુદ્ધોમાં લદ્દાખ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી હતી. કાશ્મીર ઘાટીની રાજનીતિથી અલગ પડી રહેલા લદ્દાખી લોકોની દાયકાઓ જૂની માંગણીને સંતોષતા ભારત સરકારે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ રદ કરીને લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી વિધાનસભા વિનાનો સ્વતંત્ર કેન્દ્રશાસિત પ્રદેશ (UT) બનાવ્યો હતો.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
