<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ભારતીય કેપ્‍ટન સ્‍મિત મચ્‍છરની હિંમતથી ૧૭૪ મુસાફરોનો જીવ બચ્‍યા ઘટના કેવી રીતે બની....?

દુબઈથી તેલ અવીવ જતી ફલાઈટમાં હાઈજેક જેવી સ્‍થિતિ ટળી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ  દુબઈથી ઈઝરાયેલ ના તેલ અવીવ જઈ રહેલી ફલાયદુબઈ ની FZ1073 ફલાઈટ માં ગઈકાલે ૩૦ સપ્‍ટેમ્‍બરે આકાશ માં એવી ગંભીર ઘટના બની કે થોડા સમય માટે આખું વિમાન ભયાનક સંકટમાં આવી ગયું હતું.

ફલાઈટમાં સવાર ભારતીય કેપ્‍ટન સ્‍મિત મચ્‍છર પર તેમના સહ-પાયલટે હુમલો કર્યો હોવાના અહેવાલો સામે આવ્‍યા છે, ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયા હોવા છતાં કેપ્‍ટન સ્‍મિતે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી, ત્‍યારબાદ મુસાફરો અને ક્રૂએ હુમલાખોર પાયલટ ને કાબૂમાં લેવામાં મદદ કરી, વિમાન ને અંતે સાઉદી અરેબિયા ના તબૂક એરપોર્ટ પર સુરક્ષિત ઉતારવામાં આવ્‍યું.

ઘટના કેવી રીતે બની...?

રોઇટર્સના અહેવાલ અનુસાર, વિમાન દુબઈથી તેલ અવીવ તરફ જઈ રહ્યું હતું ત્‍યારે કોકપિટમાં બંને પાયલટ વચ્‍ચે ગંભીર અથડામણ થઈ, ઈઝરાયેલી અધિકારીઓ ના જણાવ્‍યા મુજબ, ઓમાન ના સહ-પાયલટે કેપ્‍ટન સ્‍મિત મચ્‍છર પર કથિત રીતે ચાકુથી હુમલો કર્યો હતો, આ હુમલા દરમિયાન વિમાન લગભગ ૧૪,૦૦૦ ફૂટ જેટલું ઝડપથી નીચે ગયું, સ્‍થિતિ ગંભીર બનતા મુસાફરો અને ક્રૂના કેટલાક સભ્‍યો કોકપિટ સુધી પહોંચ્‍યા અને હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી, વિમાન માં મુસાફર તરીકે હાજર બે ફલાયદુબઈ પાયલટો એ ત્‍યારબાદ વિમાનને તબૂક સુધી સુરક્ષિત રીતે ઉતારવામાં મદદ કરી.

ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલ્‍યો

ઈઝરાયેલી વડાપ્રધાનના કાર્યાલયના પ્રવક્‍તા એ રોઇટર્સને જણાવ્‍યું કે કેપ્‍ટન સ્‍મિત મચ્‍છર લોહીલુહાણ હાલતમાં કોકપિટના ફલોર પર હતા, છતાં તેમણે કોકપિટ નો દરવાજો ખોલવાની વ્‍યવસ્‍થા કરી ,આ દરવાજો ખુલ્‍યા બાદ મુસાફરો અને ક્રૂ અંદર પહોંચી શક્‍યા અને સહ-પાયલટને કાબૂમાં લેવાની પ્રક્રિયા શરૂ થઈ, આ દરમિયાન વિમાનમાં મુસાફર તરીકે હાજર અન્‍ય બે ફલાઇટ પાયલટોએ વિમાનને સુરક્ષિત રીતે તબૂક સુધી પહોંચાડવામાં મદદ કરી.

 ઘટના વેળા એ વિમાન માં કેટલા લોકો હતા...?

ઈઝરાયેલી વડાપ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂ ના જણાવ્‍યા અનુસાર વિમાન માં ૧૭૪ લોકો સવાર હતા,  તેમાં મોટાભાગના મુસાફરો ઈઝરાયેલી નાગરિકો હતા, તમામ મુસાફરોને અંતે સુરક્ષિત રીતે ઈઝરાયેલ પહોંચાડવામાં આવ્‍યા.

કેટલાક અહેવાલોમાં શરૂઆતમાં મુસાફરોની સંખ્‍યા ૧૮૦ની આસપાસ હોવાનું જણાવાયું હતું, પરંતુ રોઇટર્સ અને નેતન્‍યાહૂ દ્વારા આપવામાં આવેલી સંખ્‍યા ૧૭૪ હતા.

કોણ છે કેપ્‍ટન સ્‍મિત મચ્‍છર?

કેપ્‍ટન સ્‍મિત મચ્‍છર ભારતીય નાગરિક અને અનુભવી બોઇંગ ૭૩૭ પાયલટ છે. રોઇટર્સના પ્રોફાઇલ મુજબ તેઓ મુંબઈના વતની છે અને લગભગ ૧૫ વર્ષથી વિમાન ઉડાવવાની કારકિર્દીમાં છે. તેમના નામે આશરે ૯,૭૫૦ ફલાઈંગ કલાકોનો અનુભવ હોવાનું જાહેર પ્રોફાઇલ આધારિત અહેવાલોમાં જણાવાયું છે.

પાયલટ બનવાની સફર પણ રસપ્રદ

રોઇટર્સ ના વિશેષ અહેવાલ પ્રમાણે સ્‍મિત મચ્‍છરનું બાળપણથી જ પાયલટ બનવાનું સપનું નહોતું,  તેઓ શરૂઆતમાં પોતાના પરિવારના ટેક્‍સટાઇલ વ્‍યવસાયમાં જોડાવા માગતા હતા, તેમણે ટેક્‍સટાઇલ એન્‍જિનિયરિગ નો અભ્‍યાસ શરૂ કર્યો અને ત્‍યારબાદ મુંબઈની વેલિગકર ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઑફ મેનેજમેન્‍ટમાં મેનેજમેન્‍ટનો અભ્‍યાસ કર્યો.

આ દરમિયાન આશરે ૧૯ વર્ષની ઉંમરે એક એવિએશન સેમિનાર માં તેમને વિમાન ઉડાવવાની દુનિયા પ્રત્‍યે રસ જાગ્‍યો અને ત્‍યાર થી તેમની કારકિર્દીની દિશા બદલાઈ ગઈ , ત્‍યારબાદ તેમણે ન્‍યૂઝીલેન્‍ડમાં પાયલટ તાલીમ લીધી.

 સ્‍પાઇસજેટમાં ૧૧ વર્ષનો અનુભવ

સ્‍મિત મચ્‍છરે ભારતીય એરલાઇન સ્‍પાઇસજેટમાં ૧૧ વર્ષથી વધુ સમય કામ કર્યું હતું.

ત્‍યાં તેઓ ધીમે ધીમે આગળ વધીને સિનિયર કમાન્‍ડર અને લાઇન ટ્રેનિગ કેપ્‍ટન બન્‍યા હતા,  લાઇન ટ્રેનિગ કેપ્‍ટન તરીકે તેઓ અન્‍ય પાયલટો ને તાલીમ અને માર્ગદર્શન આપતા હતા.

૨૦૨૨ થી ફલાયદુબઈ સાથે

જૂન ૨૦૨૨માં તેઓ ફલાયદુબઈ સાથે જોડાયા અને બોઇંગ ૭૩૭ ફલીટમાં કેપ્‍ટન તરીકે ફરજ બજાવતા હતા , જાહેર પ્રોફાઇલ આધારિત અહેવાલો માં તેમના કુલ ફલાઈંગ અનુભવને આશરે ૯,૭૫૦ કલાક દર્શાવવામાં આવ્‍યો છે, આ અનુભવને કારણે તેઓ અનુભવી કોમર્શિયલ પાયલટ તરીકે ઓળખાય છે.

હાલ કેપ્‍ટન સ્‍મિતની સ્‍થિતિ

ઘટના બાદ કેપ્‍ટન સ્‍મિત મચ્‍છર ને સાઉદી અરેબિયાના તબૂકની હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતા , ભારતીય દૂતાવાસે જણાવ્‍યું હતું કે તેઓ તબીબી સારવાર હેઠળ છે અને તેમની સ્‍થિતિ સ્‍થિર હોવાનું જણાવાયું છે,  ભારતીય અધિકારી ઓ તેમના પરિવાર અને સાઉદી સત્તાવાળાઓના સંપર્કમાં છે.

વડાપ્રધાન શ્રી મોદી એ કહ્યું  ‘‘કેપ્‍ટન સ્‍મિત મચ્‍છર હીરો છે''

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ૧ ઓક્‍ટોબરે કેપ્‍ટન સ્‍મિત મચ્‍છરની હિમતની પ્રશંસા કરી.

શ્રી મોદીએ જણાવ્‍યું કે ગંભીર જોખમ અને ઈજાઓ છતાં તેમણે અન્‍ય લોકોના જીવનની રક્ષા કરવા અદમ્‍ય હિમત બતાવી અને તેમની બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી.

રોઇટર્સ અને એપી બંનેએ મોદીના આ સંદેશની પુષ્ટિ કરી છે.

નેતન્‍યાહૂએ પણ કરી પ્રશંસા

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂએ પણ કેપ્‍ટન સ્‍મિત મચ્‍છરની બહાદુરીની પ્રશંસા કરી.

તેમણે જણાવ્‍યું કે ઈજાગ્રસ્‍ત હોવા છતાં સ્‍મિતે પ્રતિકાર કર્યો, કોકપિટનો દરવાજો ખોલવામાં મદદ કરી અને મુસાફરો તથા ક્રૂને હુમલાખોરને કાબૂમાં લેવામાં તક મળી. નેતન્‍યાહૂએ તેમના પગલાંને કારણે ૧૭૪ લોકોના જીવ બચ્‍યા હોવાનું જણાવ્‍યું.

ટ્રમ્‍પે પણ ઘટનાની ચર્ચા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પણ ગઈકાલ ની ૩૦ સપ્‍ટેમ્‍બર ની આ ઘટના અંગે નેતન્‍યાહૂ સાથે વાત કરી હોવાનું રોઇટર્સે અહેવાલ આપ્‍યો છે.

તપાસમાં સૌથી મહત્‍વનો પ્રશ્ન સહ-પાયલટે આવું કેમ કર્યું...?

હાલમાં આ ઘટનાનું ચોક્કસ કારણ અથવા સહ-પાયલટનો હેતુ સત્તાવાર રીતે સ્‍પષ્ટ થયો નથી.

ઈઝરાયેલી અધિકારીઓએ ગંભીર સુરક્ષા ઘટનાની વાત કરી છે અને સાઉદી સત્તાવાળાઓએ સહ-પાયલટની પૂછપરછ શરૂ કરી હોવાનું જણાવાયું છે. બીજી તરફ ફલાયદુબઈએ પણ ઘટના બની હોવાનું સ્‍વીકાર્યું છે, પરંતુ કારણો અંગે અટકળો ન કરવા જણાવ્‍યું છે. એટલે હાલમાં તેને અંતિમ રીતે આતંકવાદી હુમલો અથવા ચોક્કસ હેતુવાળી ઘટના ગણાવવી વહેલી ગણાશે.

 ઈઝરાયેલે પાયલટોની સુરક્ષા તપાસ કડક કરવાની જાહેરાત કરી આ ઘટનાના પગલે ઈઝરાયેલે ઈઝરાયેલમાં આવતા પાયલટોની ઓળખ અને સુરક્ષા તપાસ વધુ કડક કરવાની વાત કરી છે,

રોઇટર્સ અનુસાર, ઈઝરાયેલી અધિકારીઓએ જણાવ્‍યું કે ઈઝરાયેલ જતી ફલાઈટના પાયલટોની ઓળખ અને જરૂરી સુરક્ષા તપાસ કરવામાં આવશે.

(2:34 PM IST)