<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

'ધર્મના નામે માતૃશક્તિનો તિરસ્કાર કરનાર સાચા ધાર્મિક કેવી રીતે હોઈ શકે?' - આગ્રા ખાતે ‘માનસ ઋષિ પંચમી’ રામકથાના બીજા દિવસે પૂ. મોરારિબાપુએ વ્યક્ત કર્યો ભારે રંજ

"ઋષિ અને મુનિના મિલનથી પરમ સાધુ પ્રાપ્ત થાય છે" : યમુના તટે આયોજિત રામકથામાં દેશ-વિદેશના વિરાટ જનમેદની સાથે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

આગ્રા:ઉત્તરપ્રદેશમાં યમુના કિનારે પવિત્ર આગ્રાની ભૂમિ પર પૂ. મોરારિબાપુના વ્યાસાસને આયોજિત રામકથા ‘માનસ ઋષિ પંચમી’ના બીજા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કથાશ્રવણનો લાભ લીધો હતો. કથા પ્રસંગ દરમિયાન પૂ. મોરારિબાપુએ ધર્મના નામે માતૃશક્તિનો તિરસ્કાર કરનારાઓ સામે ઊંડો રંજ વ્યક્ત કરીને સનાતન સંસ્કૃતિમાં નારી શક્તિના અનેરા મહાત્મ્યનો વિચાર રજૂ કર્યો હતો.

ઋષિ અને મુનિનું મહત્વ તથા પરમ સાધુનું સ્વરૂપ:
કથાના બીજા દિવસે પૂ. મોરારિબાપુએ ઋષિ અને મુનિના સંદર્ભમાં ગહન ચિંતનાત્મક વ્યાખ્યાન પ્રસ્તુત કરતા જણાવ્યું હતું કે, સનાતન ચિંતનમાં ઋષિ અને મુનિ બંનેની ભૂમિકા અત્યંત મહત્વની તથા વંદનીય છે. ઋષિ સાથે ‘પ્રતિષ્ઠા તત્વ’ અને મુનિ સાથે ‘નિષ્ઠા તત્વ’ જોડાયેલું છે. જ્યારે ઋષિ અને મુનિ બંને તત્વોનો સમન્વય થાય ત્યારે જ પરમ સાધુની પ્રાપ્તિ થાય છે.

માતૃવંદનાનો મહિમા અને ભ્રમણાઓનું નિવારણ:
કથાના પ્રારંભમાં વિવિધ વંદનાઓની ચર્ચા કરતી વખતે તુલસીદાસજી દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક માતૃશક્તિની વંદનાનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પૂ. બાપુએ ટકોર કરતાં જણાવ્યું હતું કે કેટલાક લોકો રામચરિતમાનસ કે રામકથાનું યોગ્ય અધ્યયન કર્યા વિના જ તુલસીદાસજીને નારી નિંદક ગણાવવાની ભૂલ કરે છે. ધર્મના નામે માતૃશક્તિનો તિરસ્કાર કરનારને ધાર્મિક કેવી રીતે ગણવા તેવો પ્રશ્ન ઉઠાવીને તેમણે રંજ વ્યક્ત કર્યો હતો.

આ સાથે જ 'જનક સુતા જગ જનની જાનકી, અતિસય પ્રિય કરુણાનિધાનકી...' ચોપાઈનો ઉલ્લેખ કરી તેમણે સમજાવ્યું હતું કે પુત્રી, માતા અને પત્ની તરીકેના આ દિવ્ય નિરૂપણમાં ‘માતા’નું સ્વરૂપ જ મુખ્ય માધ્યમ બનીને કેન્દ્રસ્થાને રહે છે.

દેશ-વિદેશમાંથી કથાપ્રેમીઓનો ભવ્ય પ્રતિસાદ:
આગ્રા ખાતે યોજાયેલી આ રામકથામાં સ્થાનિક શ્રદ્ધાળુઓ ઉપરાંત ગુજરાત અને ભારતભરના વિવિધ પ્રાંતોમાંથી તેમજ વિદેશથી પણ મોટી સંખ્યામાં ભાવિક કથાપ્રેમીઓ અને શ્રોતાઓ ઉમટી પડ્યા છે અને કથાશ્રવણનો દિવ્ય લહાવો લઈ રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:01 PM IST)