<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

હાઉસિંગ સોસાયટી સિવિલ કોર્ટ નથી કે તે ફ્લેટની માલિકી કોની છે તે નક્કી કરવા બેસે: બોમ્બે હાઈકોર્ટનો ઐતિહાસિક અને રોકડિયો ચુકાદો

વારસદારોના વિવાદને બહાને વર્ષો સુધી સભ્યપદ અટકાવી રાખતી મંડળીઓને કોર્ટે લગાવી ફટકાર, સોસાયટીનું કામ વહીવટ કરવાનું છે ટાઇટલ નક્કી કરવાનું નહીં

મુંબઈ: સહકારી હાઉસિંગ સોસાયટીઓના મનસ્વી વહીવટ અને સભ્યપદ આપવા બાબતે થતી ખેંચતાણ પર બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અમિત બોરકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સોસાયટી કોઈ 'ટાઇટલ ટ્રિબ્યુનલ' નથી કે જે નક્કી કરે કે મિલકતનો સાચો માલિક કોણ છે. મલાડની એક સોસાયટી દ્વારા વારસદારોના વિવાદનું બહાનું ધરીને એક વ્યક્તિને સભ્યપદ આપવાનો ઇનકાર કરવાના નિર્ણયને કોર્ટે ફગાવી દીધો છે. અદાલતે અવલોકન કર્યું કે સોસાયટીનું કાર્ય માત્ર તેના આંતરિક રેકોર્ડ જાળવવાનું, વહીવટ કરવાનું અને લેણાં વસૂલવા પૂરતું મર્યાદિત છે, તેને સિવિલ કોર્ટ જેવી સત્તાઓ પ્રાપ્ત નથી કે તે ઉત્તરાધિકારના દાવાઓ પર ન્યાય તોળવા બેસે.
આ કેસની વિગતો મુજબ, રામલાલ ધાનુકા નામના વ્યક્તિએ ખરીદેલા ફ્લેટમાં તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર રાધેશ્યામે સભ્યપદ માટે અરજી કરી હતી. જોકે, અન્ય કાનૂની વારસદારો હોવાનું અને ભૂતકાળમાં થયેલા દાવાઓનું કારણ આપી સોસાયટીએ આ પ્રક્રિયા અટકાવી રાખી હતી. હાઈકોર્ટે આ બાબતે કડક વલણ અપનાવતા કહ્યું કે, સોસાયટીએ માત્ર એટલું જ જોવાનું હોય છે કે રેકોર્ડ પર સભ્ય તરીકે કોને નોંધી શકાય જેથી વહીવટી કામગીરી સરળ બને. સોસાયટી દ્વારા અપાતું સભ્યપદ કોઈ વ્યક્તિનો માલિકી હક નક્કી કરતું નથી કે છીનવી લેતું નથી; જો અન્ય વારસદારોને કોઈ વાંધો હોય તો તેઓએ સિવિલ કોર્ટમાં જવું જોઈએ, પરંતુ સોસાયટી આ બહાને સભ્યપદ અનિશ્ચિત સમય માટે લટકાવી ન શકે.
મહારાષ્ટ્ર સહકારી મંડળીઓ અધિનિયમની કલમ 30નો ઉલ્લેખ કરતા અદાલતે સમજાવ્યું કે, જો સભ્યનું મૃત્યુ થાય અને કોઈ નોમિની ન હોય, તો સમિતિને જે વ્યક્તિ વારસદાર અથવા કાનૂની પ્રતિનિધિ 'લાગે' તેને સભ્યપદ આપી શકાય છે. કાયદામાં ક્યાંય એવું નથી લખ્યું કે સોસાયટીએ માલિકીનો નિર્ણાયક પુરાવો મેળવ્યા પછી જ શેર ટ્રાન્સફર કરવા. આ ચુકાદો રાજ્યની હજારો સહકારી મંડળીઓ માટે લાલબત્તી સમાન છે, જેઓ ઘણીવાર કાનૂની ગૂંચવણો ઉભી કરીને સભ્યોને પરેશાન કરતી હોય છે. અદાલતે અંતે ડિવિઝનલ જોઈન્ટ રજિસ્ટ્રારના અગાઉના આદેશને માન્ય રાખતા રાધેશ્યામ ધાનુકાને સભ્યપદ આપવાનો આદેશ યથાવત રાખ્યો છે.

(1:28 AM IST)