તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
યુપીમાં યોગી કેબિનેટના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે: સીએમ યોગીએ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે કરી મુલાકાત, રવિવારે બપોરે ૩ વાગ્યે શપથ ગ્રહણની શક્યતા!
મંત્રીમંડળમાં ૬ નવા ચહેરાઓનો થઈ શકે છે સમાવેશ; ભૂપેન્દ્ર ચૌધરી અને પૂજા પાલ સહિતના નામો રેસમાં સૌથી આગળ, ચૂંટણી પૂર્વે જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો સાધવા ભાજપનો મોટો માસ્ટરપ્લોન

લખનૌ : ઉત્તર પ્રદેશના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારની સાંજે અચાનક જનભવન પહોંચીને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ લખનૌના રાજકીય ગલીયારાઓમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે ૩ વાગ્યે રાજભવનમાં નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે, જેમાં ૬ નવા મંત્રીઓને સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા છે.
કોણ બની શકે છે નવા મંત્રી? રેસમાં આ નામો મોખરે
મંત્રીમંડળના વિસ્તરણમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સમાજવાદી પાર્ટીને આંચકો આપવા માટે પૂજા પાલને મંત્રી પદ સોંપવાની ચર્ચા છે, જેનાથી ભાજપ મહિલા અને પછાત વર્ગના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. મનોજ પાંડે અને સુરેન્દ્ર દિલેરના નામો પણ ચર્ચામાં છે. આ યાદીમાં પૂર્વ મંત્રી મહેન્દ્ર સિંહ, કૃષ્ણા પાસવાન, સંતોષ સિંહ અને આશા મૌર્ય જેવા દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે.
ચૂંટણી પૂર્વે ફેરબદલ નહીં, માત્ર વિસ્તરણની વ્યૂહરચના
રાજકીય જાણકારોનું માનવું છે કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે મંત્રીમંડળમાંથી કોઈની હકાલપટ્ટી કરવામાં આવશે નહીં કે કોઈના વિભાગો બદલાશે નહીં. હાઈકમાનનું માનવું છે કે આ સમયે કોઈ મંત્રીને હટાવવાથી જનતામાં ખોટો સંદેશ જઈ શકે છે. સંગઠન સાથે જોડાયેલા બ્રાહ્મણ ચહેરાઓ અને બ્રજ વિસ્તારના ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળી શકે છે.
શિષ્ટાચાર મુલાકાત કે સત્તાવાર ફેરફાર?
મુખ્યમંત્રી કાર્યાલયે આ મુલાકાતને 'શિષ્ટાચાર મુલાકાત' ગણાવી છે, જેમાં યોગી આદિત્યનાથે રાજ્યપાલને લાલચંદ રામ દ્વારા લિખિત પુસ્તક ભેટમાં આપ્યું હતું. જોકે, જે નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવાના છે તેમને રવિવારે લખનૌમાં જ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે મંત્રીમંડળનું વિસ્તરણ હવે માત્ર સમયની વાત છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
