હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નાલાસોપારામાં હોસ્પિટલના બેડ પર દર્દી પર જીવલેણ હુમલો: મધ્યરાત્રિએ સાળાઓએ મચાવ્યો તાંડવ
દર્દી પર હુમલાનો હોસ્પિટલ વોર્ડનો વીડિયો વાયરલ થતાં સિક્યુરિટી અને મ્યુનિસિપલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ઊભા થયા ગંભીર સવાલો

નાલાસોપારા : નાલાસોપારા પશ્ચિમના સમેલ પાડા વિસ્તારમાં આવેલી વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (VVCMC) હોસ્પિટલમાં મધ્યરાત્રિના સમયે એક સસરા-સાળાઓના કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. તાવ અને પ્લેટલેટ ઘટી જવાની સારવાર અર્થે દાખલ કલીમ ખાન નામના દર્દી પર તેના પોતાના જ સાળાઓએ હોસ્પિટલના વોર્ડમાં ઘૂસીને પથારી પર જ બેરહમીથી હુમલો કરી દીધો હતો. કૌટુંબિક વિવાદમાં બનેલી આ સનસનાટીભરી ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને મ્યુનિસિપલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો આક્રોશ ફેલાયો છે.
હોસ્પિટલના ઇન્ચાર્જ ગૌરવ વાઘના જણાવ્યા અનુસાર, દર્દી કલીમ ખાનને ગત ૨૮ ઓક્ટોબરના રોજ તાવ અને પ્લેટલેટ ડાઉન હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગઇકાલે બપોરથી જ દર્દી અને તેની પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ભારે બોલાચાલી અને વિવાદ ચાલી રહ્યો હતો. આ ગૃહક્લેશના કારણે ઉશ્કેરાયેલી પત્નીના બે ભાઈઓ મધ્યરાત્રિના સુમારે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સુરક્ષા કર્મચારીઓની ઘોર બેદરકારીના કારણે કોઈ પણ રોકટોક વગર હોસ્પિટલ વોર્ડની અંદર ઘૂસી ગયેલા આ બંને શખ્સોએ પથારી પર સૂતેલા કલીમ ખાન સાથે ઝઘડો કરી તેના પર હુમલો કર્યો હતો.
આ ઘટના બાદ હોસ્પિટલ વહીવટીતંત્રે તાત્કાલિક હરકતમાં આવીને નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે. હોસ્પિટલના નિયમો અને શાંતિનો ભંગ કરવા બદલ તેમજ દર્દી પર હુમલો કરનારા તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઘટનાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટના અંગે નાલાસોપારા પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફુટેજ કબજે કરીને હુમલાખોર સાળાઓ વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને તેમની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, મધ્યરાત્રિએ અજાણ્યા શખ્સોને વોર્ડમાં પ્રવેશવા દેવા બદલ વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (VVCMC) દ્વારા સિક્યુરિટી એજન્સીને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે અને બેદરકાર સુરક્ષાકર્મીઓ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા વોર્ડમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને દર્દી કલીમ ખાનની સારવાર સુરક્ષિત વાતાવરણમાં ચાલુ રાખવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
