<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

મહારાજગંજ ફેમિલી કોર્ટમાં ભયાનક દ્રશ્યો: સુનાવણી બાદ પતિએ પત્નીના વાળ ખેંચી ગળું દબાવ્યું, પરિસરમાં થપ્પડ-મુક્કાબાજી વચ્ચે બંને પક્ષે ધરપકડ!

ભરણપોષણના કેસની કાર્યવાહી બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર જ કૌટુંબિક વિવાદ ઉગ્ર બન્યો: વાયરલ વીડિયોના આધારે પોલીસે પતિ-પત્ની બંને સામે ગુનો નોંધી જેલભેગા કર્યા

મહારાજગંજ : ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લા મુખ્યાલય સ્થિત ફેમિલી કોર્ટ પરિસરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરણપોષણ (Maintenance)ના કેસમાં સુનાવણી અર્થે આવેલા દંપતી વચ્ચે અચાનક બોલાચાલી બાદ ઉગ્ર શારીરિક સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. કોર્ટરૂમની બહાર નીકળતાં જ ક્રોધે ભરાયેલા પતિએ પત્ની પર હુમલો કરી તેના વાળ ખેંચ્યા હતા અને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષના સંબંધીઓ પણ ઝઘડામાં કૂદી પડતાં કોર્ટ પરિસર યુદ્ધમેદાનમાં ફેરવાઈ ગયું હતું.

 

મળતી વિગતો અનુસાર, સમરધીરાની રહેવાસી પ્રિયા ત્રિપાઠી અને તેના પતિ મનીષ કુમાર મિશ્રા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગંભીર કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા હોલમાં બંને પક્ષો વચ્ચે દલીલો વધી જતાં મનીષ અને તેના સાથીએ પ્રિયા સાથે મારપીટ કરી તેને જમીન પર પાડી દીધી હતી. પ્રિયાના પિતા લક્ષ્મીકાંત અને બહેન પ્રિયંકા વચ્ચે પડતાં તેમના પર પણ હુમલો કરાયો હતો. સામે પક્ષે મહિલાના સંબંધીઓએ પણ પતિ પર થપ્પડો અને મુક્કાઓનો વરસાદ વરસાવી દીધો હતો. સમગ્ર હોબાળાના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ જતાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

 

પોલીસે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો, બંને સામે કાર્યવાહી

 

કોર્ટ સંકુલમાં અચાનક સર્જાયેલી આ અફડાતફડીને પગલે ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પીડિત મહિલાએ કોતવાલી પોલીસ મથકમાં જાનથી મારી નાખવાની ધમકી અને હુમલા અંગે ફરિયાદ નોંધાવી હતી. મહારાજગંજ કોતવાલીના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, વાયરલ ફૂટેજ અને ફરિયાદોના આધારે બે મુખ્ય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

 

(7:51 PM IST)