તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
અંધશ્રદ્ધાનો ખોફનાક ખેલ: સારવારના નામે પિશાચી તાંત્રિકે માસૂમ બાળકો સાથે કરી હેવાનીયત
સીતામઢીના સ્મશાનમાં ૪ વર્ષથી ચાલતી કાળી વિદ્યાના ખેલનો પર્દાફાશ: ૨ થી ૫ વર્ષના બીમાર બાળકોને પગેથી પકડી હવામાં ફેરવી જમીન પર પટકાતા ધૂતારા શ્રવણ મહતોની ધરપકડ: તાંત્રિક સાથે માતા-પિતાની અંધ ઘેલછા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા

સીતામઢી: બિહારના સીતામઢી જિલ્લાના પરિહાર બ્લોક અંતર્ગત આવેલા મહાદેવપટ્ટી ગામના સ્મશાન ઘાટ પરથી અંધશ્રદ્ધાનો એક એવો હૃદયદ્રાવક અને ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે, જેણે સમગ્ર સમાજ અને વહીવટીતંત્રને હચમચાવી દીધું છે. અહીં સારવાર અને ડોરા-ધાગાના નામે શ્રવણ મહતો ઉર્ફે શ્રવણ ભગત નામનો ધૂતારો તાંત્રિક ૨ થી ૫ વર્ષના માસૂમ અને નિર્દોષ બાળકોના જીવન સાથે રમત રમી રહ્યો હતો. તાવ, વાઈ કે નજર લાગવા જેવી બીમારીઓથી પીડાતા બાળકોને સાજા કરવાના બહાને આ તાંત્રિક તેમને હવામાં ગોળ-ગોળ ફેરવીને જમીન પર ફેંકતો હતો. સ્મશાનની ભયાનક શાંતિ વચ્ચે માસૂમ બાળકોની ચીસો અને રડવાનો અવાજ ગુંજતો હતો, છતાં સારવારના નામે આ પિશાચી કૃત્ય ખુલ્લેઆમ ચાલતું હતું.
સોશિયલ મીડિયા પર આ હૃદયકંપાવનારો વીડિયો વાયરલ થતાં જ વહીવટીતંત્ર અને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને નराधમ તાંત્રિક શ્રવણ મહતોની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સ્મશાન ઘાટ પર છેલ્લા ચાર વર્ષથી દર સોમવારે અને શુક્રવારે આ કાળો ખેલ ચાલતો હતો. તંત્ર-મંત્ર, ભૂત-પ્રેત અને જાદુ-ટોણાથી બીમારીઓ ગાયબ કરવાનો દાવો કરીને આ ધૂતારો લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. સૌથી મોટો અને કડવો સવાલ એ ઊભો થાય છે કે આટલા વર્ષો સુધી આ ક્રૂરતા ચાલુ રહી છતાં આસપાસના લોકો, ગ્રામજનો કે સ્થાનિક સત્તાવાળાઓને આ અંગે જાણ કેમ ન થઈ?
જોકે, આ સમગ્ર ઘટનામાં માત્ર તાંત્રિક જ નહીં, પરંતુ બાળકોના માતા-પિતા અને વડીલો પણ એટલા જ ગુનેગાર અને દોષિત ઠરે છે. ગરીબી, અજ્ઞાનતા કે તબીબી સારવારના અભાવના નામે પોતાના જ માસૂમ બાળકોને સ્મશાનમાં તાંત્રિક આગળ હોમી દેવા અને તેને હવામાં ઉછાળી જમીન પર પટકવા દેવું એ કોઈ પણ સંજોગોમાં વાજબી ન ગણાવી શકાય. જાગૃત સમાજ અને વાલી તરીકે બાળકોની સુરક્ષા પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. તાવ કે વાઈ જેવી બીમારીઓમાં બાળકના શરીરને નુકસાન પહોંચાડતી અંધશ્રદ્ધાનો આશરો લેવાને બદલે યોગ્ય ડૉક્ટર પાસે સારવાર કરાવવી જરૂરી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સમાજમાંથી અંધશ્રદ્ધાના દૂષણને ઉખાડી ફેંકવા હજુ પણ કડક કાયદા અને વ્યાપક જાગૃતિની ભારે જરૂર છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
