તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
દક્ષિણ આફ્રિકાના વેસ્ટર્ન કેપમાં ભયાનક ટ્રિપલ અકસ્માત: બે મિનીબસ વચ્ચે સામસામે ભીષણ ટક્કર બાદ SUV કાર ધડાકાભેર અથડાઈ; ૨૧ લોકોના દર્દનાક મોત
કેપ ટાઉન નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલી મહાહોનારતમાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત; મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ વચ્ચે પોલીસ અને ઈમરજન્સી ટીમો દ્વારા તપાસ તેજ

કેપ ટાઉન, તા.૧૪: દક્ષિણ આફ્રિકાના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) પર એક અત્યંત રુંવાડા ઉભા કરી દે તેવી ત્રિપલ અકસ્માતની હોનારત સામે આવી છે. દેશના વેસ્ટર્ન કેપ પ્રાંતમાં કેપ ટાઉનથી આશરે ૩૮૦ કિલોમીટર દૂર પ્રિન્સ આલ્બર્ટ અને લી ગામા વિસ્તારની વચ્ચે બે ઝડપી મિનીબસ વચ્ચે સામસામે ભીષણ ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે પાછળથી આવી રહેલી એક એસયુવી (SUV) કાર પણ તેની સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ઘટનાસ્થળે અને સારવાર દરમિયાન કુલ ૨૧ લોકોના દર્દનાક મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
સ્થાનિક રોડ ટ્રાફિક મેનેજમેન્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ, અકસ્માતની જાણ થતાં જ વેસ્ટર્ન કેપની ઈમરજન્સી સેવાઓ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ પીડિતોને તુરંત નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થાનિક પ્રશાસનના મતે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે કારણ કે કેટલાક ઘાયલોની સ્થિતિ અત્યંત નાજુક છે.
દક્ષિણ આફ્રિકામાં લાખો લોકો દૈનિક અવરજવર માટે આ મિનીબસ-ટેક્સીઓનો જાહેર પરિવહન તરીકે ઉપયોગ કરે છે. જોકે, ઓવરસ્પીડિંગ અને ક્ષમતા કરતા વધુ મુસાફરોને કારણે આવી મિનીબસો વારંવાર જીવલેણ અકસ્માતોનો ભોગ બનતી હોય છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પણ બે અલગ-અલગ મિનીબસ અકસ્માતોમાં ૧૪ બાળકો સહિત ૨૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રાંતના મોબિલિટી વિભાગે ઘટના બાદ તુરંત જ સંબંધિત હાઈવેને સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો અને ટ્રાફિકને અન્ય માર્ગે વાળ્યો હતો. રોડ ટ્રાફિક મેનેજમેન્ટ કોર્પોરેશન દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
