<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

આંધ્રપ્રદેશમાં પોલીસ અત્યાચારની ખૌફનાક દાસ્તાન: કસ્ટડીમાં યુવકનું મોત થતાં થર્ડ ડિગ્રીનો પુરાવો નાશ કરવા રાતોરાત બાઇક પર મૃતદેહ લઈ જઈ સ્મશાનમાં સળગાવી દીધો!

વિજયવાડામાં હેબિયસ કોર્પસ અરજી બાદ SITની તપાસમાં રિમાન્ડ રિપોર્ટમાં સન્સનાટીભર્યા ખુલાસા: ગુમ થયેલા ૨૫ વર્ષીય સાઈ કૃષ્ણાની નિર્મમ હત્યા બાદ સ્મશાનમાં કાયદેસરની રાખ કરી દેવાઈ

હૈદરાબાદ : આંધ્રપ્રદેશના વિજયવાડામાંથી ગુમ થયેલા ૨૫ વર્ષીય યુવક ગાડે સાઈ કૃષ્ણાના કેસમાં ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો મોટો ખુલાસો થયો છે. SIT દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા રિમાન્ડ રિપોર્ટ અને આરોપીની કબૂલાતમાં સામે આવ્યું છે કે, વિજયવાડાની કૃષ્ણા લંકા પોલીસ દ્વારા કસ્ટડીમાં આપવામાં આવેલા અમાનુષી થર્ડ ડિગ્રી ટોર્ચર અને સખત મારપીટને કારણે યુવકનું મોત નીપજ્યું હતું. કાયદાકીય ગૂંચવણો અને ખાખી પર આંચ આવતી રોકવા માટે પોલીસ અધિકારીઓએ પોતાના સાગરીતો સાથે મળીને યુવકના મૃતદેહને ખાનગી મકાનમાંથી રાતોરાત સ્મશાનગૃહમાં લઈ જઈ બાળી નાખ્યો હતો.

 

ઘટનાની વિગતો મુજબ, અગાઉ કેટલાક ગુનાહિત કેસો ધરાવતા સાઈ કૃષ્ણાને ૯ મેના રોજ કૃષ્ણા લંકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉઠાવી ગયા હતા. યુવક ઘરે ન પરત ફરતાં તેની માતા વિજયાલક્ષ્મીએ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં 'હેબિયસ કોર્પસ' અરજી દાખલ કરી હતી. માતાએ આક્ષેપ કર્યો હતો કે સર્કલ ઈન્સ્પેક્ટર (CI) લંકા નાગારાજુએ તેમને ધમકી આપી હતી કે તેમનો પુત્ર ક્યારેય પાછો નહીં આવે. હાઈકોર્ટના આદેશથી ગઠિત સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ સસ્પેન્ડેડ સીઆઈ નાગારાજુની ધરપકડ કરી હતી. આ કેસમાં રિયલ એસ્ટેટ બ્રોકર અને સીઆઈના અંગત સાથીદાર ગુરિવિંદાલા સુરેશે ૧૭ સપ્ટેમ્બરે આત્મસમર્પણ કરતાં આખી ખૌફનાક વિગત બહાર આવી હતી.

 

ધાબળામાં લપેટીને બાઇક પર મૃતદેહ લઈ ગયા, ફોટા પણ ડિલીટ કરાયા

 

SITના રિમાન્ડ રિપોર્ટ મુજબ, સાઈ કૃષ્ણાને પોલીસ સ્ટેશનના બદલે એક ખાનગી મકાનમાં બંધક બનાવીને રોજેરોજ ઢોરમાર મારવામાં આવતો હતો, જ્યાં વધુ પડતા અત્યાચારને કારણે તે અચાનક ઢળી પડ્યો હતો. તેના મૃત્યુ બાદ નાગારાજુની સૂચનાથી ૧૨-૧૩ મેની મધ્યરાત્રિએ મૃતદેહને બે કોન્સ્ટેબલોની વચ્ચે બાઇક પર બેસાડી, ધાબળાથી ઢાંકીને વિજયવાડાના સ્વર્ગપુરી સ્મશાનગૃહમાં લઈ જવાયો હતો. ત્યાં ત્રણેય આરોપીઓએ સળગતી ચિતા પર મૃતદેહ મૂકી સંપૂર્ણપણે રાખ ન થઈ ત્યાં સુધી રોકાઈને પુરાવાનો નાશ કર્યો હતો. એટલું જ નહીં, કસ્ટડી દરમિયાન કપડાં વગર ટોર્ચર કરતી વખતે પાડેલા ફોટોગ્રાફ્સ પણ મોબાઈલમાંથી ડિલીટ કરી દેવાયા હતા. કેસ પાછો ખેંચવા અને સમાધાન કરવા માટે મૃતકના પરિવારનો સંપર્ક પણ કરાયો હતો, પરંતુ પરિવારે ઇનકાર કરતાં આ સમગ્ર ખાખી વર્દીનો કાળો કારોબાર ખુલ્લો પડી ગયો છે.

 

(7:36 PM IST)