તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ઇજિપ્તના વિશ્વપ્રસિદ્ધ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં ભયાનક માર્ગ અકસ્માત: ૧૬ પ્રવાસીઓના કરૂણ મોત, ૨૮ થી વધુ ગંભીર રીતે ઘાયલ
દક્ષિણ સિનાઈના લોકપ્રિય દહાબ-નુવેઇબા હાઇવે પર સર્જાયેલી દુર્ઘટનાથી અરેરાટી; રમણીય દરિયાકિનારા અને ડાઇવિંગ સાઇટ્સ માટે જાણીતા માર્ગ પર રાહત બચાવ કામગીરી શરૂ

દહાબ (ઇજિપ્ત), તા.૦૨: ઇજિપ્તના અત્યંત લોકપ્રિય પ્રવાસી ક્ષેત્ર એવા દક્ષિણ સિનાઈ પ્રાંતમાંથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દહાબ-નુવેઇબા હાઇવે પર સર્જાયેલા આ ગંભીર અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૨૮ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દેશના આરોગ્ય મંત્રાલય દ્વારા આ ભયાનક હોનારતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
દક્ષિણ સિનાઈનો આ વિસ્તાર વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. પોતાના રમણીય દરિયાકિનારા, અદ્ભુત સ્નોર્કલિંગ અને ડાઇવિંગ સ્થળો તેમજ ખડકાળ પર્વતો માટે જાણીતા આ રૂટ પર દરરોજ હજારો દેશી-વિદેશી મુલાકાતીઓની અવરજવર રહેતી હોય છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનીક પ્રશાસન અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટના બાદ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને હાલમાં સ્થળ પરથી વધુ માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. પ્રશાસન દ્વારા મૃતકોની ઓળખ કરવાની અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવાની તપાસ હાથ ધરવામાં આવી છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
