તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર હૂતીઓનો મહાભયાનક હુમલો: ૧૨નાં મોત, ૩૦૯ ઘાયલ: મૃતકોમાં એક અમેરિકન નાગરિકનો પણ સમાવેશ: સંખ્યાબંધની સ્થિતિ ગંભીર
નાગરિકો પરના હુમલાની અમેરિકાએ કડક નિંદા કરી: માર્કો રુબિયોએ સાઉદી અરેબિયાને સમર્થન આપ્યું, સાઉદી આગેવાનીવાળા ગઠબંધને વળતા જવાબની ચેતવણી આપી: અમેરિકા આગબબુલા : મૃતકોમાં ચાર સાઉદી, બાંગ્લાદેશના બે તથા અમેરિકા, ઇજિપ્ત, જોર્ડન, સિરિયા, પેલેસ્ટાઇન અને સુદાનના એક-એક નાગરિકનો સમાવેશ: હવાઈમથકની કામગીરી અસ્થાયી રીતે સ્થગિત: રિયાધ આવતી ઉડાનોને અન્ય હવાઈમથકો તરફ વાળવામાં આવી

રિયાધ, તા. ૧૧ : સાઉદી અરેબિયાના રિયાધ સ્થિત કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર શનિવારે થયેલા હુમલામાં ૧૨ લોકોનાં મૃત્યુ અને ૩૦૯ લોકો ઘાયલ થયાની નાગરિક ઉડ્ડયન સત્તામંડળે પુષ્ટિ કરી છે. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર છે. અમેરિકાએ હુમલાની નિંદા કરીને સાઉદી અરેબિયા સાથે એકતા વ્યક્ત કરી છે.
સાઉદી અરેબિયાના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર શનિવાર, ૧૦ ઓક્ટોબરે થયેલા હૂતી મિસાઇલ હુમલામાં ૧૨ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૩૦૯ લોકો ઘાયલ થયા છે. સાઉદી નાગરિક ઉડ્ડયન સત્તામંડળની વિગતો અનુસાર ઘાયલોને વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. કેટલાકની સ્થિતિ ગંભીર છે. હુમલાથી થયેલા ભૌતિક નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે.
મૃતકોમાં ચાર સાઉદી નાગરિકો, બાંગ્લાદેશના બે નાગરિકો તથા અમેરિકા, ઇજિપ્ત, જોર્ડન, સિરિયા, પેલેસ્ટાઇન અને સુદાનના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. હુમલા બાદ હવાઈમથકની કામગીરી અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી હતી અને રિયાધ આવતી ઉડાનોને અન્ય હવાઈમથકો તરફ વાળવામાં આવી હતી.
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ હુમલાની કડક નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે નિર્દોષ નાગરિકોના જીવ પ્રત્યે અવગણના દર્શાવતા આવા હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. રુબિયોએ એક અમેરિકન નાગરિકના મૃત્યુની પુષ્ટિ કરતાં પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને સાઉદી અરેબિયા તથા તેની પ્રજા સાથે અમેરિકાનું સમર્થન જાહેર કર્યું હતું.
સાઉદી આગેવાનીવાળા ગઠબંધને આ હુમલાને યુદ્ધ અપરાધ ગણાવી આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા અનુસાર કડક જવાબ આપવાની ચેતવણી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૂતી વિરુદ્ધ સાઉદી કાર્યવાહીમાં અમેરિકા જોડાવાની સંભાવના અંગે વિચારણા કરવાની વાત કહી છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
