<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

સુદાનમાં સોનાની ખાણ ધસી પડતા ભયાનક હોનારત: ઓછામાં ઓછા ૬૭ના કરૂણ મોત : અનેક લોકો કાટમાળ હેઠળ દટાયા

અર્ધલશ્કરી દળ આરેસએફના તાબા હેઠળના વિસ્તારમાં સલામતી વગર ચાલતું હતું ખાણકામ: ભારે માટી-ખડકો ધસી પડતા બચાવ કામગીરીમાં મુશ્કેલી : મૃત્યુઆંક વધવાની મોટી આશંકા

ખાર્તુમ:  આફ્રિકન દેશ સુદાનના પશ્ચિમ કોર્ડોફાન પ્રાંતના નુહુદ શહેર નજીક આવેલી ‘અલ-જારા’ ) સોનાની ખાણ અચાનક ધસી પડતા ભારે હોનારત સર્જાઈ છે. મંગળવારે મોડી રાત્રે બનેલી આ કરૂણ ઘટનામાં ઓછામાં ઓછા ૬૭ ખાણિયાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં શ્રમિકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાથી મૃત્યુઆંક વધુ વધવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક તબીબી નેટવર્ક 'સુદાન ડૉક્ટર્સ નેટવર્ક' અને બચી ગયેલા લોકોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે અનેક નાના પાયાના શ્રમિકો ઊંડી ખાણની અંદર કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક ઉપરથી જમીનનો મોટો ભાગ, માટી અને ભારે ખડકો તૂટી પડ્યા હતા. સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સાધનો વડે શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ પૂરતા રક્ષણાત્મક સાધનો અને ભારે મશીનરીના અભાવે કાટમાળ હટાવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

આ અકસ્માત જે વિસ્તારમાં બન્યો તે ક્ષેત્ર દેશના અર્ધલશ્કરી દળ 'રેપિડ સપોર્ટ ફોર્સિસ' (RSF) ના નિયંત્રણ હેઠળ આવે છે. સુદાનમાં સેના અને આરેસએફ વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલતા સશસ્ત્ર સંઘર્ષના કારણે વહીવટી તંત્ર સાવ ખોરવાઈ ગયું છે. કોઈપણ પ્રકારના સલામતીના ધોરણો કે પરવાનગી વગર ગેરકાયદેસર અને બિનસત્તાવાર રીતે ચાલતા આ ખાણકામમાં સુરક્ષાના કોઈ જ પગલાં લેવાતા ન હોવાથી આ મોટી હોનારત સર્જાઈ હોવાનું ડૉક્ટર્સ નેટવર્કે જણાવ્યુ છે. સુદાનમાં સોનાનું ઉત્પાદન આવકનો મુખ્ય સ્ત્રોત હોવાથી લાખો લોકો જીવના જોખમે આવા જોખમી ખાણોમાં કામ કરવા મજબૂર બન્યા છે.

(9:57 PM IST)