તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 29th September 2026
પાકિસ્તાનમાં ભયાનક ખેલ: કરાચીની ફૂટબોલ ટીમને બંદૂકની અણીએ બસમાંથી નીચે ઉતારી ડઝનબંધ લૂંટારૂઓએ બેફામ લૂંટી; કેટલાક ખેલાડીઓને ઢોર માર માર્યો
'ચીફ મિનિસ્ટર્સ ગોલ્ડ કપ' રમવા જઈ રહેલા ખેલાડીઓ પાસેથી રોકડ, મોબાઈલ અને તમામ સામાન લૂંટી લેવાયો; સુરક્ષા ચિંતાઓને પગલે અન્ય રાજ્યોએ ટીમો મોકલવાનો કર્યો હતો ઈનકાર

કરાચી, તા.29: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ભયાનક અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. 'ચીફ મિનિસ્ટર્સ ગોલ્ડ કપ' ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે કરાચીથી ક્વેટા જઈ રહેલી 'કરાચી ડિસ્ટ્રિક્ટ વેસ્ટ'ની ફૂટબોલ ટીમને હાઈવે પર બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવી છે. મસ્તુંગ અને સરિયાબ વચ્ચેના અત્યંત જોખમી હાઈવે પર ૧૨ જેટલા સશસ્ત્ર લૂંટારૂઓએ ખેલાડીઓની બસને ઘેરી લીધી હતી અને મોટો આતંક મચાવ્યો હતો.
બંદૂકના કુંદા વડે હુમલો અને કિંમતી સામાનની લૂંટ
ટીમ મેનેજર ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ આ ભયાનક અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, સશસ્ત્ર હુમલાખોરોએ અચાનક બસ રોકીને તમામ ખેલાડીઓ અને મુસાફરોને બંદૂકની બતાવીને નીચે ઉતારી દીધા હતા. લૂંટારૂઓએ ખેલાડીઓ પાસે રહેલા તમામ મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન આંચકી લીધો હતો. આટલું જ નહીં, વિરોધ કરવાનો પ્રયાસ કરનાર કેટલાક ખેલાડીઓને લૂંટારૂઓએ બંદૂકના કુંદા વડે બેફામ માર પણ માર્યો હતો. લૂંટની આ ઘટના સોમવારે સાંજે બની હતી.
રમતગમત મંત્રીએ દૈનિક ભથ્થાની કરી વ્યવસ્થા
આ લૂંટફાટ બાદ ખેલાડીઓ પાસે એક પણ રૂપિયો બચ્યો ન હતો. કઈ રીતે પણ કરીને ક્વેટા પહોંચ્યા બાદ, ટીમે સમગ્ર ઘટના અંગે બલૂચિસ્તાનના રમતગમત મંત્રીને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીએ તાત્કાલિક દરમિયાનગીરી કરી ખેલાડીઓ માટે દૈનિક ભથ્થાની વ્યવસ્થા કરી આપી હતી જેથી તેઓ પોતાનો દૈનિક ખર્ચ કાઢી શકે.
સુરક્ષા ચેતવણીઓ છતાં કરાઈ હતી મુસાફરી
સિંધ ફૂટબોલ એસોસિએશનના સચિવ મુહમ્મદ આઝમે જણાવ્યું હતું કે, બલૂચિસ્તાનમાં વણસેલી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને કરાચીની તમામ ક્લબોને બસ કે ટ્રેન દ્વારા ક્વેટા ન જવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવી હતી. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા (KPK) ના એસોસિએશનોએ પણ આ જ ડરના કારણે પોતાની ટીમો મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. તેમ છતાં 'કરાચી વેસ્ટ'ની ટીમે ચેતવણીઓને નજરઅંદાજ કરીને મુસાફરી કરી અને આ ભયાનક અકસ્માતનો ભોગ બની.
નોંધનીય છે કે આ હાઈવે બળવાખોર જૂથો અને ગુનેગારો માટે અડ્ડો બની ગયો છે. થોડા દિવસો પહેલા જ ડેરા બુગ્ટીમાંથી બે સ્થાનિક ક્રિકેટરોનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે પાકિસ્તાનમાં ખેલાડીઓ પણ હવે સુરક્ષિત રહ્યા નથી.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
