<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

મેક્સિકોમાં ધાર્મિક તહેવાર દરમિયાન ભયાનક ફટાકડા વિસ્ફોટ: ચર્ચની ભીંત ધરાશાયી થતાં ૧૦ લોકોના મોત, ૬૪થી વધુ ઈજાગ્રસ્ત!

સેંકડો શ્રદ્ધાળુઓ ઉત્સવ નિહાળી રહ્યા હતા ત્યારે જ કાળનો પંજો ત્રાટક્યો; વિસ્ફોટના પગલે આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ

મેક્સિકો સિટી : મેક્સિકોના ટેમાસ્કાલ્સિંગો શહેરમાં એક ધાર્મિક ઉત્સવની ઉજવણી દરમિયાન પાયરોટેકનિક સામગ્રી (ફટાકડા) માં અચાનક ભયાનક વિસ્ફોટ થતાં મોટી હોનારત સર્જાઈ છે. આ ગોઝારા બનાવમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ૬૪થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ચર્ચની નજીકની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કાટમાળ નીચે અનેક લોકો દબાઈ ગયા હતા.

 

મળતી વિગતો અનુસાર, મધ્ય મેક્સિકોમાં આવેલી 'નુએસ્ટ્રા સેનોરા ડે લા લુઝ' ચર્ચ ખાતે શનિવારે રાત્રે આશ્રયદાતા સંતના ઉત્સવ નિમિત્તે ફટાકડાનું પ્રદર્શન યોજાયું હતું. સેંકડો લોકો ઉત્સવના આનંદમાં લીન થઈને ફટાકડાની આતશબાજી જોઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક વિસ્ફોટ થયો હતો. ઈજાગ્રસ્તોમાં બે પાદરીઓનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ચારેય બાજુ ધુમાડાના ગોટેગોટા અને કાટમાળ વચ્ચે પોતાના સ્વજનોને શોધતા લોકોની આક્રંદભરી સ્થિતિ જોવા મળી હતી.

 

વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેથી મેક્સિકો સ્ટેટ એટર્ની જનરલ ઓફિસે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે મેક્સિકોમાં ધાર્મિક તહેવારો અને શેરી ઉજવણીઓમાં આતશબાજીનો વ્યાપક ઉપયોગ થતો હોય છે, જેના કારણે અગાઉ પણ આવા જીવલેણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. હાલમાં તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(6:29 PM IST)