તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
હોર્મુઝમાં ભયાનક ધડાકો: તેલ ટેન્કર સી-માઇન સાથે અથડાતાં જોરદાર ધમાકો
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના તીવ્ર સંઘર્ષ વચ્ચે નિયત શિપિંગ રૂટ પરથી ભટકેલું ઓઇલ ટેન્કર સમુદ્રી માઇન સાથે અથડાતા બ્લાસ્ટ: IRGCના મૌન બાદ તસ્નીમ એજન્સીએ ઘટનાની પુષ્ટિ કરી

તેહરાન : ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા વ્યાપક સૈન્ય સંઘર્ષની વચ્ચે વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ ગણાતી હોર્મુઝ માં એક ભયાનક વિસ્ફોટથી સમગ્ર મધ્ય-પૂર્વમાં ભારે અફડાતફડી મચી ગઈ છે. રવિવારે એક વિદેશી તેલ ટેન્કર સમુદ્રમાં બિછાવેલી લશ્કરી માઇન સાથે અથડાતા આ શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે જોડાયેલી તસ્નીમ સમાચાર એજન્સીએ આ ઘટના પર પોતાનું મૌન તોડીને વિસ્ફોટ થયો હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
તસ્નીમ એજન્સીના અહેવાલ મુજબ, આ તેલ ટેન્કર ઈરાની નૌકાદળના અધિકારીઓ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સુરક્ષિત શિપિંગ રૂટ પરથી ભટકીને પ્રતિબંધિત દરિયાઈ વિસ્તારમાં પ્રવેશ્યું હતું, જ્યાં તે કાળ બનીને તરતી સી-માઇન સાથે સખત રીતે અથડાયું હતું. જાકે, આ વિસ્ફોટ બાદ ટેન્કરની ઓળખ, તેના પર લાદવામાં આવેલા ક્રૂડ ઓઇલનો જથ્થો કે તેના ગંતવ્ય સ્થાન અંગે ઈરાની એજન્સીઓએ કોઈ ખુલાસો કર્યો નથી. આ અકસ્માતમાં ટેન્કર પરના ક્રૂ સભ્યોની જાનહાનિ કે તેલના રસાણ અંગે હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયું નથી.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયલે ઈરાન વિરુદ્ધ આક્રમક લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ તેહરાને વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝ જળમાર્ગ પર ઈમરજન્સી નિયંત્રણો મૂકીને દરિયાઈ વાહનવ્યવહારને અસ્તવ્યસ્ત કરી દીધો હતો. ગલ્ફ ક્ષેત્રમાં તણાવ જ્યારે ચરમસીમાએ છે ત્યારે આ વિસ્ફોટે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજાર અને સપ્લાય ચેઇન માટે મોટો ખતરો ઊભો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર અને વૈશ્વિક શિપિંગ કંપનીઓ હાલ આ ગંભીર ઘટના બાદ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
