News of Sunday, 2nd August 2026
પપ્પુ યાદવના દિલ્હી નિવાસસ્થાને ભયાનક ડ્રામા: પ્રેસ કોન્ફરન્સમાં જૂતું ફેંકાયું: છરીથી હુમલાનો સનસનાટીભર્યો દાવો
સંસદમાં સાધુનો વેશ ધારણ કરવાના વિવાદ વચ્ચે પૂર્ણિયાના સાંસદ પર હુમલો: સમર્થકોએ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો: રાજકારણ ગરમાયું

નવી દિલ્હી : દિલ્હી સ્થિત સાંસદ પપ્પુ યાદવના નિવાસસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રવિવારે અચાનક ભારે અંધાધૂંધી અને હિંસક ઝઘડો ફાટી નીકળ્યો હતો. બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવ સંસદ પરિસરમાં પોતાના તાજેતરના વિરોધ પ્રદર્શન અંગે મીડિયા સમક્ષ પક્ષ રાખી રહ્યા હતા, ત્યારે ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સુમિત નામના યુવકે તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટના બાદ પ્રેસ કોન્ફરન્સમાં હાજર સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શારીરિક અથડામણમાં પરિણમી હતી.
આ અંધાધૂંધી વચ્ચે સાંસદ પપ્પુ યાદવે અત્યંત સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે હુમલાખોર પોતાની સાથે ધારદાર છરી લાવ્યો હતો અને તેમના પર જાનલેવા હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, સાંસદના સમર્થકોએ સમયસર સતર્કતા દાખવીને તે યુવકને સ્થળ પર જ કાબૂમાં લઈ લીધો હતો. સમર્થકોનો દાવો છે કે જો તેમણે તાત્કાલિક તે યુવકને ન ઝડપ્યો હોત તો એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ઘટના બાદ તુરંત જ દિલ્હી પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને આશંકાસ્પદ આરોપીની અટકાયત કરી છરી જપ્ત કરવાની કાયદાકીય તપાસ શરૂ કરી છે.
આ ઘટના બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસ નેતા પવન ખેરાએ દિલ્હી પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પપ્પુ યાદવે અયોધ્યા દાન મુદ્દે સંસદ પરિસરમાં ભગવા ઝભ્ભા પહેરી સાધુનો વેશ ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો, જેના કારણે વારાણસીમાં તેમની વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ પણ નોંધાયો હતો. આરોપી સુમિત પપ્પુ યાદવના આ નિવેદનોથી ગુસ્સામાં હતો અને તેના કારણે જ તેણે પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસીને આ હંગામો મચાવ્યો હોવાનું સામે આવ્યું છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
