<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ઇન્ડોનેશિયામાં સોનાની ગેરકાયદે ખાણમાં ભયાનક દુર્ઘટનાઃ મૃત્યુઆંક વધીને ૧૩ થયો, હજુ ૧૩ શ્રમિકો જમીનની અંદર ફસાયેલા હોવાની આશંકા

૧૦૦ મીટર ઊંડી ખાણમાં ભારે વરસાદને પગલે પાણી ઘૂસ્યાંઃ સાંકડા રસ્તા, અંધકાર અને કાદવ-કીચડ વચ્ચે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની

જકાર્તા, તા. ૨૬ : ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતના બોગોર જિલ્લાના પોંગકોર વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર સોનાની ખાણમાં પાણી ભરાઈ જતાં સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૩ થયો છે. આજે ભારતીય સમય પ્રમાણે સવારે ૮ વાગ્યા બાદ પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર હજુ ૧૩ શ્રમિકોની શોધખોળ ચાલી રહી છે.

 

ગત સોમવારે ભારે વરસાદને કારણે નજીકની નદીમાં પૂર આવતાં આશરે ૧૦૦ મીટર ઊંડી ખાણમાં પાણી ઘૂસી ગયાં હતાં. કુલ ૨૬ શ્રમિકો ખાણમાં ફસાયા હતા. અગાઉ આઠ શ્રમિકોના મૃત્યુના અહેવાલ હતા, પરંતુ હવે મૃત્યુઆંક વધ્યો છે.

 

પશ્ચિમ જાવાના પોલીસ વડા હેંગકીના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા ૧૩ શ્રમિકો પૈકી છની ઓળખ કરવામાં આવી છે. બચાવ ટુકડીઓ પંપ દ્વારા પાણી બહાર કાઢવા ઉપરાંત દોરડાંની મદદથી ખાણમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે.

 

ખાણના સાંકડા અને લપસણા માર્ગો તથા અંધકારને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની છે. ઇન્ડોનેશિયાની સરકારી ખાણકામ કંપની અંતામે સ્પષ્ટતા કરી છે કે દુર્ઘટનાગ્રસ્ત ખાણ ગેરકાયદેસર હતી અને તેની કંપની સાથે કોઈ સંબંધ નથી.

(9:40 AM IST)