<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ગોરખપુરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક અને ડમ્પર ધડાકાભેર અથડાતાં ભયાનક આગ લાગી, ડ્રાઈવર-ક્લીનર જીવતા ભુંજાયા, માત્ર હાડપિંજર જ બચ્યા

પોલીસે હવે મૃતદેહોની સત્તાવાર ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી

ગોરખપુર: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં કુશીનગર-લખનૌ ફોર-લેન હાઈવે પર રામગઢતાલ પોલીસ સ્ટેશન વિસ્તારના અજવનિયા ગામ પાસે ગુરુવારે વહેલી સવારે ૫ વાગ્યે એક અત્યંત હ્રદયદ્રાવક અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, બિહારથી હરિયાણા જઈ રહેલી મકાઈ ભરેલી ટ્રક અને રોડ કન્સ્ટ્રક્શન માટેની ડસ્ટ ભરેલું ડમ્પર (જે રોંગ સાઈડથી આવી રહ્યું હતું) સામસામે ધડાકાભેર અથડાયા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં બંને તોતિંગ વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

આગની લપેટો અને ગરમીનો પ્રકોપ એટલો તીવ્ર હતો કે આસપાસના લોકો કે ફાયર બ્રિગેડના જવાનો પણ શરૂઆતમાં વાહનોની નજીક જવાની હિંમત કરી શક્યા ન હતા. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ૫ જેટલી ગાડીઓ દોડી ગઈ હતી અને ૧ થી ૨ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પરંતુ ત્યાં સુધીમાં ડમ્પરની કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર સત્યેન્દ્ર કુમાર (ઉંમર ૨૫ વર્ષ, રહેવાસી બસ્તી જિલ્લો) અને ક્લીનર શિવા (ઉંમર ૨૦ વર્ષ, રહેવાસી ફતેહપુર જિલ્લો) જીવતા ભુંજાઈ ગયા હતા. અંદરથી તેમના માત્ર કંકાલ (હાડપિંજર) જ મળી આવ્યા હતા. પોલીસ હવે મૃતદેહોની સત્તાવાર ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી રહી છે.

(9:20 PM IST)