<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

હોર્મુઝ આગામી ૫ વર્ષમાં પોતાનું વર્ચસ્વ ગુમાવશે: વૈકલ્પિક માર્ગો માટે ગલ્ફ દેશોનું કરોડો ડૉલરનું માતબર રોકાણ

ઈરાન-અમેરિકા યુદ્ધ બાદ વૈશ્વિક વેપાર માર્ગોમાં મોટો ફેરફાર: ગલ્ફ દેશો બાયપાસ પાઇપલાઇન અને બંદરો વિકસાવશે, ભારતે પણ તેલ આયાતમાં વૈવિધ્યીકરણ અપનાવ્યું

નવી દિલ્હી :  : વર્ષ ૨૦૨૬ માં વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ઊર્જા ક્ષેત્રે સૌથી વધુ ચર્ચામાં રહેલો હોર્મુઝનો માર્ગ આગામી પાંચ વર્ષમાં પોતાનું વ્યૂહાત્મક અને આર્થિક મહત્વ ગુમાવશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના યુદ્ધના કારણે આ દરિયાઈ માર્ગ પર સપ્લાય ચેઇન ખોરવાતા ગલ્ફ દેશોએ હવે હોર્મુઝ સ્ટ્રેટ પરની નિર્ભરતા સંપૂર્ણપણે ઘટાડવા માટે વૈકલ્પિક લોજિસ્ટિક્સ માર્ગો વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 HSBC ગ્રુપના CEO જ્યોર્જ એલ્હાદરીના જણાવ્યા અનુસાર, ઈરાન યુદ્ધની માળખાકીય અને આર્થિક અસરોને પહોંચી વળવા માટે ગલ્ફ ક્ષેત્રમાં જંગી મૂડીરોકાણ કરવામાં આવશે. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી વિશ્વના કુલ ૨૦% તેલ અને ગેસનો પુરવઠો પસાર થાય છે, પરંતુ આ યુદ્ધે તે નિર્ભરતાનું જોખમ ખુલ્લું પાડી દીધું છે. આ પરિસ્થિતિને સુધારવા માટે ગલ્ફ દેશો હવે સીધા સુરક્ષિત બંદરો સુધી તેલ અને ગેસ પહોંચાડવા માટે નવી પાઇપલાઇનો નાખવાની યોજના બનાવી રહ્યા છે.

HSBC ના અહેવાલ મુજબ, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા અને તુર્કીમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં હાલ $૮૭૨ બિલિયનનું રોકાણ થઈ રહ્યું છે અને આગામી સમયમાં આ રોકાણ $૧.૪ ટ્રિલિયન સુધી પહોંચવાની શક્યતા છે. ૧,૬૦૦ થી વધુ વ્યાપારી આગેવાનો અને ૮૨૦ થી વધુ વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારોએ આ ક્ષેત્રમાં રસ દાખવ્યો છે.

(8:14 PM IST)