<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

હોર્મુઝ ફરી યુધ્ધ ધગધગ્યુંઃ અમેરિકાએ ઈરાનના લારક ટાપુ પર પ્રહાર કરતાં તેહરાનનો બેલિસ્ટિક મિસાઇલોથી વળતો હુમલો: ક્રૂડના ભાવ ફરી સળગ્યા

અમેરિકાએ બે ઈરાની લોન્ચર તોડી પાડ્યાઃ ઈરાને જોર્ડનમાં અમેરિકાના બે લશ્કરી મથકોને બનાવ્યા નિશાન, તણાવ ચરમસીમાએ

સમરીઃ લગભગ એક મહિનાના વિરામ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી સીધી લશ્કરી અથડામણ થઈ છે. અમેરિકાએ હોર્મુઝની સામુદ્રધુનીમાં આવેલા ઈરાનના લારક ટાપુ પર બે રોકેટ લોન્ચર પર હુમલો કર્યો હતો. જવાબમાં ઈરાને જોર્ડનમાં આવેલા બે અમેરિકી લશ્કરી મથકો તરફ બેલિસ્ટિક મિસાઇલો છોડતાં મધ્યપૂર્વમાં ફરી ભારે તણાવ સર્જાયો છે.

 

વોશિંગ્ટન, તા. ૩૧ : હોર્મુઝની સામુદ્રધુનીને કેન્દ્રમાં રાખીને અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી લશ્કરી અથડામણ શરૂ થઈ છે. અમેરિકી દળોએ રવિવારે ઈરાનના લારક ટાપુ પર આવેલા બે રોકેટ લોન્ચર પર હુમલો કર્યો હતો. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના દળો હોર્મુઝની સામુદ્રધુનીમાં દરિયાઈ સુરંગો પહોંચાડવા માટે રોકેટ છોડવાની તૈયારી કરી રહ્યા હતા. અમેરિકાએ આ કાર્યવાહી ‘મર્યાદિત અને ચોક્કસ’ હોવાનું જણાવ્યું છે. 

 

અમેરિકી હુમલા બાદ ઈરાને જોર્ડનમાં આવેલા બે અમેરિકી લશ્કરી મથકોને નિશાન બનાવી બેલિસ્ટિક મિસાઇલો છોડ્યાનું ઈરાની માધ્યમોએ જણાવ્યું છે. જોર્ડનના સશસ્ત્ર દળોના જણાવ્યા મુજબ તેના હવાઈ વિસ્તારમાં પ્રવેશેલી આઠ મિસાઇલોને અટકાવવામાં આવી હતી. અમેરિકી સૂત્રોના જણાવ્યા મુજબ મોટાભાગના હુમલા નિષ્ફળ બનાવાયા અને કોઈ મોટું નુકસાન નોંધાયું નથી. 

 

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે અમેરિકી હુમલામાં કેટલાક સૈનિકો અને નાગરિકોના મોત તથા ઈજાની વાત કરી છે, જોકે ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી. ઈરાને જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે. લારક ટાપુ વ્યૂહાત્મક બંદર અબ્બાસ નજીક હોર્મુઝની સામુદ્રધુનીમાં આવેલો હોવાથી આ નવી અથડામણની વૈશ્વિક તેલ પુરવઠા અને જહાજરાની પર અસર થવાની આશંકા વધી છે. સંઘર્ષ પહેલાં વિશ્વના લગભગ પાંચમા ભાગના કાચા તેલ અને પ્રવાહી કુદરતી ગેસનું વહન આ જ દરિયાઈ માર્ગેથી થતું હતું. 

 

દરમિયાન ક્રુડ ઓઇલના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો છે અને ૮૭ ડોલર પ્રતિ બેરલ જે ભાવ હતો તે વધીને આજે સવારે ૯૦ ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. શેરબજાર ઉપર પણ અસર પડે તેવી ચર્ચા છે.

(9:31 AM IST)