<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

હોર્મુઝ સ્ટ્રેટ પર યુદ્ધના એંધાણ: ટ્રમ્પની ઈરાનને સ્પષ્ટ ચેતવણી, 'શાંતિ મંત્રણા નિષ્ફળ તો અમેરિકા લાદશે ટોલ'

સ્વિટ્ઝર્લૅન્ડમાં ઈરાન સાથેની વાટાઘાટો પૂર્વે અમેરિકાનું કડક વલણ: વ્યૂહાત્મક જળમાર્ગ પર અમેરિકી સૈન્યની ચાંપતી નજર, ૬૦ દિવસની મુદત જાહેર

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આગામી ૬૦ દિવસના યુદ્ધવિરામ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કોઈ ટોલ વસૂલવામાં આવશે નહીં, પરંતુ જો સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાનારી શાંતિ મંત્રણા નિષ્ફળ જશે, તો અમેરિકા આ વ્યૂહાત્મક જળમાર્ગ પર પોતાના માટે નવો ટોલ ટેક્સ લાદી શકે છે.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ સંભવિત ટોલ મધ્ય પૂર્વના દેશોને અમેરિકા દ્વારા આપવામાં આવતી 'ગાર્ડિયન એન્જલ' જેવી સુરક્ષા સેવાઓના ખર્ચની ભરપાઈ કરવા માટે હશે. આ જાહેરાત બાદ ઈરાને દાવો કર્યો હતો કે અમેરિકાના ઉલ્લંઘનને કારણે તેણે જળમાર્ગ બંધ કરી દીધો છે, જોકે યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢતા જણાવ્યું હતું કે દરિયાઈ ટ્રાફિક હાલ સામાન્ય છે અને શનિવારે જ ૧૭ મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ સાથેના ૫૫ જહાજો ત્યાંથી સલામત રીતે પસાર થયા છે.

વાટાઘાટોને સફળ બનાવવા માટે ઈરાનની ઉચ્ચ સ્તરીય ટીમ જેમાં વિદેશ મંત્રી અને અન્ય અધિકારીઓ સામેલ છે, તે સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચી રહી છે. બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રતિનિધિ જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ પહેલેથી જ ત્યાં હાજર છે અને ટેકનિકલ પાસાઓ પર ચર્ચા કરી રહ્યા છે. અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વાન્સે પણ આગામી દિવસોમાં આ મંત્રણામાં જોડાવા તૈયારી બતાવી છે, જે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને આર્થિક પ્રતિબંધો હળવા કરવાના મુદ્દે નિર્ણાયક બની શકે છે.

આ ઘટનાક્રમ ઈરાન અને અમેરિકા વચ્ચેના વર્ષો જૂના સંઘર્ષની નવી કડી છે. હવે સમગ્ર વિશ્વની નજર સ્વિટ્ઝર્લૅન્ડમાં શરૂ થનારી ૬૦ દિવસની મંત્રણા પર છે. જો આ વાટાઘાટો કોઈ નક્કર કરાર સુધી પહોંચવામાં નિષ્ફળ રહેશે, તો હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાના ટોલ ટેક્સના નિર્ણયથી વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાય અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં મોટી અસ્થિરતા સર્જાઈ શકે છે.

(10:52 AM IST)