<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

હોર્મુઝઃ ઇરાન દર વર્ષે વસૂલશે ૪૦ અબજ ડોલરની ટ્રાન્‍ઝિટ ફી

હોર્મુઝથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્‍સ (શુલ્‍ક) વસૂલશે ઈરાન

તહેરાન તા.૨૬: અમેરિકા-ઈરાન યુદ્ધ અટક્‍યા પછી હોર્મુઝ જળડમરુમધ્‍ય ખુલી ગયો છે, પરંતુ આ દરિયાઈ રૂટ પરથી મુક્‍ત અવરજવર ટૂંક સમયમાં જ બંધ થઈ શકે છે. હોર્મુઝમાં જહાજો પાસેથી ફી વસૂલવાના પ્‍લાનને લાગુ કરવા માટે ઈરાનની ઓમાન અને અન્‍ય પાડોશી દેશો સાથે વાતચીત ચાલી રહી છે. તેહરાન (ઈરાન સરકાર) આ પ્‍લાન દ્વારા હોર્મુઝમાંથી દર વર્ષે અંદાજે ૪૦ અબજ ડોલર કમાવવાની યોજના બનાવી રહ્યું છે. ઈરાને હોર્મુઝ સ્‍ટ્રેટ વિશે વારંવાર સ્‍પષ્ટ કર્યું છે કે તે અહીંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્‍સ (શુલ્‍ક) વસૂલશે.

હોર્મુઝને લઈને ઈરાન એક મોટા પ્‍લાન પર કામ કરી રહ્યું છે. તેહરાનને આશા છે કે આ મહત્‍વપૂર્ણ દરિયાઈ માર્ગ પર સુરક્ષા અને પર્યાવરણને લગતી સેવાઓ બદલ જહાજો પાસેથી ફી વસૂલીને વાર્ષિક ૪૦ અબજ ડોલર સુધીની કમાણી કરી શકાય છે. આ માટે તેની અખાતી દેશો અને અન્‍ય સહયોગીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.

ઇસ્‍લામાબાદ મેમોરેન્‍ડમમાં Strait of Hormuz (દરિયાઈ માર્ગ)ના ભવિષ્‍યના સંચાલનનો ઉલ્‍લેખ છે, પરંતુ તેમાં ટ્રાન્‍ઝિટ ફી (પસાર થવા માટેની ફી)ની કોઈ જોગવાઈ નથી. ઈરાનનો નવો પ્રસ્‍તાવ કાયમી કમાણી કરી આપતું એક મેનેજમેન્‍ટ મોડલ છે. આ અંતર્ગત હોર્મુઝથી પસાર થતા જહાજો સુરક્ષા અને પર્યાવરણની સુરક્ષા સંબંધિત સેવાઓ માટે ઈરાનને એક નક્કી કરેલી રકમ ચૂકવશે.

ઈરાનના અધિકારીઓનું માનવું છે કે Strait of Hormuz ખુલવાને કારણે આ દરિયાઈ માર્ગના સંચાલનને નવેસરથી નક્કી કરવાની તક મળી છે. ઈરાન ઈચ્‍છે છે કે આ યોજનામાં પાડોશી અખાતી દેશો, ખાસ કરીને ઓમાન સામેલ થાય અને કમાણીમાં હિસ્‍સો મેળવે. તેહરાને (ઈરાન) કથિત રીતે ચીન જેવા દેશો સામે પણ આ પ્‍લાન રજૂ કર્યો છે.

અહેવાલ મુજબ, ઈરાન પોતાનો પ્રસ્‍તાવ તૈયાર કરવા માટે આંતરરાષ્ટ્રીય ઉદાહરણોનો અભ્‍યાસ કરી રહ્યું છે. ઈરાની અધિકારીઓએ ખાસ કરીને ડાર્ડાનેલ્‍સ જળડમરુમધ્‍ય (Dardanelles Strait) ના તુર્કીના સંચાલનને એક મોડલ તરીકે જોયું છે. ૧૯૩૬ના મોન્‍ટ્રો કન્‍વેન્‍શન (કરાર) હેઠળ, તુર્કી આ દરિયાઈ માર્ગ પર જહાજો પાસેથી લાઈટહાઉસ, બચાવ કામગીરી અને સ્‍વચ્‍છતા સેવાઓ માટે ફી વસૂલે છે.

ઈરાનનું માનવું છે કે હોર્મુઝ માટે પણ આવી જ વ્‍યવસ્‍થા બનાવી શકાય છે, જો કે બંને પરિસ્‍થિતિઓ મૂળભૂત રીતે અલગ છે. કાનૂની નિષ્‍ણાતોનું કહેવું છે કે Strait of Hormuz માટે કોઈપણ લાંબાગાળાની ફી પ્રણાલી (ટોલ સિસ્‍ટમ) લાગુ કરવા માટે ઈરાનના એકતરફી નિર્ણયના બદલે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન (IMO) ની વ્‍યાપક આંતરરાષ્ટ્રીય મંજૂરીની જરૂર પડશે.

 

(2:47 PM IST)