News of Saturday, 18th July 2026
હોર્મુઝ સંકટ: ઈરાનની ઓઈલ પાઈપલાઈન ઉડાવી દેવાની ધમકી : ભારતે દરિયાઈ માર્ગ બદલ્યો
અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે પર્સિયન ગલ્ફમાં એલએનજી જહાજોના પૈડાં થંભ્યા : ભારતે ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન અકબંધ રાખવા યુએઈ અને ઓમાનના વૈકલ્પિક રૂટ પર જહાજો વાળ્યા

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક ઉર્જા બજાર પર વિનાશક અસર શરૂ થઈ ગઈ છે. દુનિયાના સૌથી વ્યસ્ત ગણાતા હોર્મુઝમાં વધતા જતા સૈન્ય જોખમોને પગલે ભારતે મોટો વ્યૂહાત્મક નિર્ણય લઈને ક્રૂડ ઓઈલ અને એલએનજી ની આયાત માટેનો પોતાનો પરંપરાગત દરિયાઈ માર્ગ તાત્કાલિક અસરથી બદલી નાખ્યો છે. ભારત હવે પર્સિયન ગલ્ફના જોખમી રૂટને અવગણીને સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનના સુરક્ષિત વૈકલ્પિક માર્ગો દ્વારા તેલ અને ગેસનો જથ્થો મંગાવી રહ્યું છે, જેથી દેશની સ્થાનિક જરૂરિયાતોને કોઈ આંચ ન આવે.
સંઘર્ષ એટલો ગંભીર બન્યો છે કે ઈરાને હવે ખુલ્લેઆમ વૈકલ્પિક ઉર્જા માર્ગો પર પણ હુમલા કરવાની સત્તાવાર ચેતવણી આપી દીધી છે. તેહરાને ધમકી આપી છે કે જો પશ્ચિમી દેશો દ્વારા તેની પોતાની ઓઈલ નિકાસને અવરોધવામાં આવશે, તો તે યુએઈની ફુજૈરાહ પાઈપલાઈન અને સાઉદી અરેબિયાની પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈનને મિસાઈલોથી નિશાન બનાવશે. ઈરાનની આ સીધી ધમકીના કારણે ખાડી દેશોમાંથી તેલ સપ્લાય કરતી વૈશ્વિક કંપનીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને સમગ્ર ક્ષેત્ર હાઈ-એલર્ટ પર છે.
S&P ગ્લોબલ એનર્જીના ચોંકાવનારા ડેટા અનુસાર, ૭ જુલાઈના રોજ 'કતાર એનર્જી'ના એલએનજી જહાજ 'અલ રેકૈયાત' પર થયેલા સીધા મિસાઈલ હુમલા બાદ શિપિંગ ઉદ્યોગ સ્તબ્ધ થઈ ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા એલએનજી કાર્ગોની સરેરાશ જૂનના અંતમાં પ્રતિદિન ૦.૮ હતી, જે ઘટીને જુલાઈના મધ્ય સુધીમાં માત્ર ૦.૨ થઈ ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે કતાર અને યુએઈમાં ગેસનું ઉત્પાદન યથાવત છે, જેના કારણે હાલ પર્સિયન ગલ્ફમાં ૧.૯ મિલિયન મેટ્રિક ટન એલએનજીનો સ્ટોક ટેન્કરોમાં જમા પડ્યો છે, જે નાકાબંધી હળવી થતાં જ બજારમાં ઠાલવવામાં આવશે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
