તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
મધ્ય પૂર્વમાં શાંતિની આશાઓ પર ફરી વળ્યું પાણી: ટ્રમ્પે પાકિસ્તાનનો પ્રવાસ રદ કરતા ઈરાન સાથેની મંત્રણા પડી ભાંગે તેવા સંકેત
અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાન નિષ્ફળ જતાં યુદ્ધવિરામની શક્યતા ધૂંધળી, ઈઝરાયલી હુમલામાં દક્ષિણ લેબનોનમાં 6 ના મોત અને હિઝબુલ્લાહ સામે નેતન્યાહૂએ સખત કાર્યવાહીના આપ્યા આદેશ

વોશિંગ્ટન/તેહરાન : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે છેલ્લા સાત અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષને વિરામ આપવા માટે થઈ રહેલી રાજદ્વારી કોશિશોને મોટો ફટકો પડ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશેષ દૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરની પાકિસ્તાન મુલાકાત રદ કરી દેતા શાંતિ વાટાઘાટો અટકી પડી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પાકિસ્તાની નેતૃત્વ સાથે મુલાકાત કરી ખાલી હાથે પરત ફર્યા છે. બીજી તરફ વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તાજેતરની સુરક્ષા ઘટનાઓ તેમને ઈરાન સામે જીત મેળવતા રોકી શકશે નહીં, જેનાથી યુદ્ધવિરામની આશાઓ વધુ નબળી પડી છે.
રણમેદાનમાં પણ સ્થિતિ વધુ વણસી રહી છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે દક્ષિણ લેબનોન પર થયેલા ઈઝરાયલી હુમલામાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. યુદ્ધવિરામ માટે થઈ રહેલી મંત્રણાઓ વચ્ચે પણ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સેનાને હિઝબુલ્લાહ પર વળતા અને આકરા હુમલા કરવાનો આદેશ આપ્યો છે. નેતન્યાહૂએ આરોપ લગાવ્યો છે કે હિઝબુલ્લાહ દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેના જવાબમાં ઈઝરાયલે સૈન્ય કાર્યવાહી વધુ તેજ બનાવી છે.
પ્રાદેશિક શાંતિ જાળવવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી ‘પ્રામાણિક મધ્યસ્થી’ તરીકે ભૂમિકા ભજવવાની તૈયારી દર્શાવી હતી. જોકે, ઈરાને તેની નૌકાદળ નાકાબંધી વચ્ચે જાહેરમાં વાટાઘાટો કરવાનો ઈનકાર કર્યો છે. તેહરાન હાલ પાકિસ્તાન દ્વારા ગુપ્ત રીતે સંદેશાઓની આપ-લે કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં, બંને પક્ષો પોતાની શરતો પર મક્કમ હોવાથી આગામી દિવસોમાં મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાને બદલે સંઘર્ષ વધુ ઘેરો બને તેવી ભીતિ સેવાઈ રહી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
