<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદમાં SGVP ગુરુકુલના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીશ્રીની ગરિમામય ઉપસ્થિતિ

હરિદ્વારમાં યોજાયેલી 52મી અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદમાં દેશના મહાન ધર્માચાર્યો અને વિદ્વાનોનું સાનિધ્ય

અમદાવાદ : હરિદ્વાર સ્થિત પતંજલિ યુનિવર્સિટી તથા નવી દિલ્હી સ્થિત કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ભારતીય વિદ્વત્ પરિષદ (BVP)ની 52મી અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદ્વત્ સંમેલનમાં SGVP ગુરુકુલના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીશ્રી સહિત ભારતવર્ષના અનેક મહાન ધર્માચાર્યોની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ કાર્યક્રમની ગરિમામાં વિશેષ અભિવૃદ્ધિ કરી હતી.
ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરા, સનાતન ધર્મના મૂલ્યો અને શાસ્ત્રીય વિદ્યાના સંવર્ધનના ઉમદા ઉદ્દેશ સાથે યોજાયેલી આ પરિષદમાં મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌરવશાળી ઇતિહાસ, આધ્યાત્મિક સિદ્ધાંતો અને સમૃદ્ધ શાસ્ત્રીય પરંપરાને ઉજાગર કરતું વિશેષ સત્ર પણ યોજાયું હતું. આ સત્ર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત જ્ઞાનસંપદા અને તેના શાસ્ત્રીય મહત્ત્વને વિદ્વાનો સમક્ષ પ્રસ્તુત કરવાની મહત્ત્વપૂર્ણ તક સાંપડી હતી.
યોગઋષિ પરમ પૂજ્ય બાબા રામદેવજી મહારાજ તથા શ્રદ્ધેય આચાર્ય બાલકૃષ્ણજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ભવ્ય વિદ્વત્ સંમેલને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યો, સનાતન ધર્મની મહાન પરંપરા અને પ્રાચીન શાસ્ત્રવિદ્યાના જતન તથા સંવર્ધનનો પાવન સંદેશ આપ્યો હતો. દેશભરના વિદ્વાનો અને ધર્માચાર્યોના સાનિધ્યમાં યોજાયેલી આ પરિષદ ભારતીય જ્ઞાનપરંપરાની સમૃદ્ધિને ઉજાગર કરવા સાથે આવનારી પેઢી સુધી આ અમૂલ્ય વારસો પહોંચાડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ બની રહી હતી.

(9:53 AM IST)