<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

હોલિવૂડ સ્ટાર ટાયરીસ ગિબ્સનનું જામનગરમાં શાહી સ્વાગત:વનતારાની મુલાકાત માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો

જામનગર એરપોર્ટ પર સોનેરી ખેસ પહેરાવી ભારતીય પરંપરા મુજબ ભવ્ય સ્વાગત: એરપોર્ટ પર લોકોનું અભિવાદન ઝીલી ખાસ કાફલા સાથે વનતારા જવા રવાના

જામનગરમાં વધુ એક વખત વૈશ્વિક ગ્લેમરનો તડકો જોવા મળ્યો છે. હોલિવૂડની સુપરહિટ ફિલ્મ ફ્રેન્ચાઈઝી 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ' ફેમ પ્રખ્યાત હોલિવૂડ સ્ટાર અને ગાયક ટાયરીસ ગિબ્સન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. હોલિવૂડ અભિનેતા ટાયરીસ ગિબ્સનનું જામનગર એરપોર્ટ પર ભવ્ય અને શાહી આગમન થયું હતું. વૈશ્વિક કક્ષાના કલાકાર જામનગરના મહેમાન બનતા જ સ્થાનિક ચાહકો અને લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગર એરપોર્ટ પર હોલિવૂડ સ્ટાર ટાયરીસ ગિબ્સન જેવા જ ફ્લાઈટમાંથી બહાર આવ્યા, કે તુરંત જ તેમનું અદભુત સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય અતિથિ દેવો ભવઃની પરંપરા મુજબ અભિનેતાને સોનેરી ખેસ પહેરાવીને ઉષ્માભર્યું વેલકમ કરવામાં આવ્યું હતું. આ પરંપરાગત અને શાહી સ્વાગત જોઈને હોલિવૂડ કલાકાર પણ ખૂબ જ પ્રભાવિત અને ખુશ જણાતા હતા. એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા પ્રશંસકોને જોઈને અભિનેતાએ પણ ખૂબ જ નમ્રતાપૂર્વક લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને હાથ હલાવીને ચાહકોનો આભાર માન્યો હતો.

 

 

એરપોર્ટ પર પત્રકારો અને મીડિયા સાથે ટૂંકી વાતચીતમાં ટાયરીસ ગિબ્સને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે આ ભવ્ય અને ખાસ આમંત્રણ બદલ યજમાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ગિબ્સને ઉત્સુકતાપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ આ અદભુત પ્રવાસ અને વન્યજીવોના આશ્રયસ્થાનને જોવા માટે એટલા આતુર છે કે તેઓ હવે વધુ સમય માટે રાહ જોઈ શકે તેમ નથી જામનગરની ધરતી પર ઉતરીને તેઓ ખૂબ જ રોમાંચિત અનુભવી રહ્યા છે.

એરપોર્ટ પર સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ, હોલિવૂડ સ્ટાર ટાયરીસ ગિબ્સન તેમના માટે ખાસ તૈનાત કરવામાં આવેલા લક્ઝરી વાહનોના કાફલા સાથે જામનગરના વિશ્વપ્રસિદ્ધ વનતારા પ્રોજેક્ટ  તરફ જવા રવાના થયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન વનતારામાં વન્યજીવોના સંરક્ષણ અને પુનર્વસનની વૈશ્વિક કામગીરી જોવા માટે તેઓ ખાસ પધાર્યા છે. હોલિવૂડના દિગ્ગજ કલાકાર જામનગરના મહેમાન બનતા સોશિયલ મીડિયા પર પણ જામનગર અને વનતારા ટ્રેન્ડ થઈ રહ્યું છે.

(12:50 AM IST)