<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ગુરુગ્રામમાં હિટ એન્ડ રન: મહિલા સ્પોર્ટ્સ બાઇકરને કચડવાનો પ્રયાસ કરનાર કલ્યાણ બૈંસલાની ઓળખ છતી થઈ; કાર માલિક આર્મી જવાન અસમમાં તૈનાત

ગોલ્ફ કોર્સ રોડ પર બાઇકર્સ ગેંગને કારથી અડફેટે લીધા બાદ આંતરરાષ્ટ્રીય કબડ્ડી પ્લેયર અને બોડી બિલ્ડરે ઇન્સ્ટાગ્રામ ડિએક્ટિવેટ કર્યું; ઘટનાનો ભયાનક વીડિયો વાયરલ

ગુરુગ્રામ : હરિયાણાના હાઇટેક શહેર ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર એક મહિલા સ્પોર્ટ્સ બાઇકરને બેફામ સ્પીડે આવતી કારે ટક્કર મારી ઘસડી નાખવાની સળગતી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલા બાઇકરને ટક્કર મારીને ફરાર થઈ ગયેલા શખ્સની ઓળખ કલ્યાણ બૈંસલા તરીકે થઈ છે, જેણે પોતાના સોશિયલ મીડિયા પર પોતાને આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી અને ભારતીય રગ્બી ટીમનો સભ્ય ગણાવ્યો છે. ઘટના બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચતાં જ આ શખ્સે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે.

 

પીડિત મહિલા બાઇકર સિયાના જણાવ્યા અનુસાર, રવિવારે તે તેના સાથી બાઇકર્સ સાથે પોતાની 'એપ્રિલિયા RS 457' સ્પોર્ટ્સ બાઇક પર સવાર થઈને જઈ રહી હતી, ત્યારે નશામાં ધૂત કારસવારોએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. કારમાં સવાર લોકોએ સિયાની નજીક આવીને અત્યંત અસભ્ય વર્તન અને છેડતીનો પ્રયાસ કર્યો હતો. સિયાએ તેમને યોગ્ય અંતર જાળવવાનું કહેતાં જ ઉશ્કેરાયેલા કારચાલકે સિયાની બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સિયા રોડ પર ફેંકાઈ ગઈ હતી અને તેની બાઇક કેટલાય મીટર સુધી ઘસડાતી ગઈ હતી.

 

કેમેરામાં કેદ થઈ ભયાનક ઘટના, પોલીસે શરૂ કરી તપાસ

આ સમગ્ર ઘટના સિયાની હેલ્મેટ પર લાગેલા એક્શન કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન આ અકસ્માત સર્જનારી કાર પલવલના રહેવાસી મનીષ નામના આર્મી જવાનના નામે નોંધાયેલી હોવાનું ખુલ્યું છે.

 

જોકે, આર્મી જવાન મનીષે સ્પષ્ટતા કરી છે કે અકસ્માત થયો ત્યારે તેઓ આસામમાં ફરજ પર હતા અને તેમની કાર પરિવાર પાસેથી એક મિત્ર લઈ ગયો હતો. કારમાં કલ્યાણ બૈંસલા અને તેના અન્ય નશામાં ધૂત સાથીઓ સવાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુરુગ્રામ પોલીસે વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્ર ગતિમાન કર્યા છે.

 

(7:40 PM IST)