News of Tuesday, 12th May 2026
સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ઈતિહાસ રચાયો: ૧૪૪ વર્ષના લાંબા ઇન્તજાર બાદ પ્રથમ વખત કોઈ મહિલા સંભાળશે પ્રિન્સિપાલની કમાન
પ્રોફેસર સુસાન એલિયાસ બનશે કોલેજના ૧૫મા પ્રિન્સિપાલ: IIT મદ્રાસના પૂર્વ ફેલો અને કમ્પ્યુટર સાયન્સના નિષ્ણાત જૂન મહિનાથી કાર્યભાર સંભાળશે

નવી દિલ્હી, તા. ૧૨: દિલ્હી યુનિવર્સિટીની સૌથી પ્રતિષ્ઠિત અને ભારતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓમાંની એક એવી સેન્ટ સ્ટીફન્સ કોલેજના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. ૧૮૮૧માં સ્થપાયેલી આ કોલેજને તેના ૧૪૪ વર્ષના ગૌરવશાળી ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પ્રિન્સિપાલ મળ્યા છે. પ્રોફેસર સુસાન એલિયાસ આગામી ૧ જૂનથી કોલેજના ૧૫મા પ્રિન્સિપાલ તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળશે.
કોલેજની સુપ્રીમ કાઉન્સીલના ચેરમેન રેવરેન્ડ પોલ સ્વરૂપ દ્વારા આ ઐતિહાસિક નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. પ્રોફેસર એલિયાસ વર્તમાન પ્રિન્સિપાલ જોન વર્ગીસનું સ્થાન લેશે, જેમણે આ પદ પર સતત બે ટર્મ સુધી સેવા આપી છે. ઉલ્લેખનીય છે કે આ ટોચના પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માટે કોલેજે આંતરરાષ્ટ્રીય સ્તરની એજન્સીઓની પણ મદદ લીધી હતી.
શૈક્ષણિક ક્ષેત્રનો બહોળો અનુભવ અને મજબૂત લાયકાત
પ્રોફેસર સુસાન એલિયાસ માત્ર એક સંચાલક જ નહીં, પરંતુ શિક્ષણ જગતના એક દિગ્ગજ વિદ્વાન છે. તેમણે IIT મદ્રાસમાંથી પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ અને અન્ના યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે. કમ્પ્યુટર સાયન્સ, મલ્ટીમીડિયા ટેકનોલોજી અને રિસર્ચ લીડરશિપમાં તેમનું પ્રદાન અત્યંત નોંધપાત્ર રહ્યું છે.
નેતૃત્વનો શાનદાર રેકોર્ડ
સેન્ટ સ્ટીફન્સમાં જોડાતા પહેલા પ્રોફેસર એલિયાસે દેશની અનેક નામાંકિત સંસ્થાઓમાં મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે:
• તેમણે હિન્દુસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાં પ્રો વાઇસ ચાન્સેલર (રિસર્ચ) તરીકે સેવા આપી છે.
• વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (VIT) માં તેઓ ડીન અને ડેપ્યુટી ડિરેક્ટર જેવા વરિષ્ઠ પદો પર રહી ચૂક્યા છે.
• શ્રી વેંકટેશ્વર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં લગભગ બે દાયકા સુધી પ્રોફેસર અને વિભાગીય વડા તરીકેનો અનુભવ ધરાવે છે.
૧૮૮૧માં કેમ્બ્રિજ મિશન દ્વારા સ્થાપિત સેન્ટ સ્ટીફન્સ કોલેજ હંમેશા પરંપરા અને શ્રેષ્ઠતાનું પ્રતીક રહી છે. હવે પ્રોફેસર સુસાન એલિયાસના નેતૃત્વમાં આ સંસ્થા શિક્ષણ અને વહીવટના નવા શિખરો સર કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે. શૈક્ષણિક જગતમાં આ નિમણૂકને મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું અને સીમાચિહ્નરૂપ કદમ માનવામાં આવે છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
