તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
બલૂચિસ્તાનમાં ઈતિહાસ પલટાયો: BLA ની પ્રથમ મહિલા કમાન્ડર એકાએક કેમેરા સામે આવી : પાકિસ્તાનને ધ્રુજાવતો વીડિયો વાયરલ
પ્રતિબંધિત સંગઠન બલોચ લિબરેશન આર્મીની મીડિયા વિંગ ‘હક્કલ’ દ્વારા જારી કરાયેલા ૧૧ મિનિટના હાઈટેક વીડિયોમાં શાયનાઝ બલોચે આધુનિક હથિયારો અને ડ્રોન ઓપરેશન્સ સાથે દુનિયાને હચમચાવી દીધી

ક્વેટા : બલૂચિસ્તાનની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષ કરી રહેલા સંગઠન બલોચ લિબરેશન આર્મી એ પાકિસ્તાની સૈન્ય અને વૈશ્વિક સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દેનારો એક સનસનાટીપૂર્ણ વીડિયો જારી કર્યો છે. સંગઠનના ઈતિહાસમાં પહેલીવાર, BLA ની કોઈ મહિલા ફ્રીડમ ફાઈટર કમાન્ડર ખુલ્લેઆમ મીડિયા સમક્ષ આવી છે. સંગઠનની સત્તાવાર મીડિયા વિંગ 'હક્કલ' દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરાયેલા આશરે ૧૧ મિનિટના હાઈ-પ્રોફાઈલ વીડિયોમાં મહિલા કમાન્ડર શાયનાઝ બલોચે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સીધો જંગ છેડવાની જાહેરાત કરી છે.
આ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રચાર વીડિયોમાં માત્ર રાજકીય સંદેશ જ નથી, પરંતુ BLA ની આધુનિક સૈન્ય તાકાતનું શક્તિપ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. વીડિયોમાં મહિલા કમાન્ડર શાયનાઝની આસપાસ અત્યાધુનિક અમેરિકન શસ્ત્રો, ટેક્ટિકલ ગિયર્સ અને આધુનિક ડ્રોન ઓપરેશન્સના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. શાયનાઝ બલોચે વિશ્વ સમુદાય અને સ્થાનિક બલૂચ નાગરિકોને સંબોધિત કરતા ગર્જના કરી છે કે, બલૂચિસ્તાનની સશસ્ત્ર ક્રાંતિ હવે એક અત્યંત ઘાતક અને નવા તબક્કામાં પ્રવેશી ચૂકી છે, જેમાં હવે મહિલાઓ માત્ર પડદા પાછળ નહીં પરંતુ સરહદ પર મોરચો સંભાળી રહી છે.
વર્ષોથી પુરુષ પ્રધાન ગેરિલા જૂથ તરીકે ઓળખાતા BLA ની વ્યૂહરચનામાં આ એક અત્યંત મોટો અને ચિંતાજનક વળાંક માનવામાં આવી રહ્યો છે. BLA લાંબા સમયથી પાકિસ્તાન સરકાર પર બલૂચિસ્તાનના કુદરતી સંસાધનોની લૂંટ ચલાવવાનો અને સ્થાનિક લોકો પર અત્યાચાર ગુજારવાનો આરોપ લગાવી રહ્યું છે, જ્યારે ઇસ્લામાબાદ આ સંગઠનને આતંકવાદી જાહેર કરી ચૂક્યું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આધુનિક ટેક્નોલોજી અને મહિલા કમાન્ડરનો આ નવો ચહેરો પાકિસ્તાની સેના માટે આગામી દિવસોમાં ખૂબ જ મોટો સુરક્ષા પડકાર ઊભો કરશે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
