News of Tuesday, 5th May 2026
તમિલનાડુમાં 'વિજય'નો ઐતિહાસિક વિજય : તામિલગા વેટ્ટરી કઝગમ (TVK) ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ : સરકાર રચવા કોંગ્રેસનું સમર્થન માંગ્યું : વિજયે ૬ મેના રોજ રાજ્યપાલ પાસે મુલાકાતનો સમય માંગ્યો
કોંગ્રેસ અને નાના પક્ષો સાથે ગઠબંધનની કવાયત : ૭ મેના રોજ ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં વિજય મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા : બહુમતી માટે ૧૦ ધારાસભ્યોની ખેંચતાણ વચ્ચે ધારાસભ્યોને મામલ્લાપુરમના રિસોર્ટમાં ખસેડાયા

ચેન્નાઈ:દક્ષિણ ભારતના રાજકારણમાં વર્ષોથી ચાલી આવતા ડીએમકે અને એઆઈડીએમકેના વર્ચસ્વને તોડીને અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી 'તામિલગા વેટ્ટરી કઝગમ' (TVK) એ ઈતિહાસ રચી દીધો છે. ૨૩ એપ્રિલના રોજ યોજાયેલી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ૨૩૪ બેઠકોમાંથી ૧૦૮ બેઠકો જીતીને વિજયનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. બહુમતીના ૧૧૮ના આંકડાથી માત્ર ૧૦ બેઠક દૂર હોવાથી વિજયે હવે રાજ્યમાં નવી સરકાર રચવા માટે કોંગ્રેસ સહિતના નાના પક્ષોનો સહયોગ માંગ્યો છે.
કોંગ્રેસ અને નાના પક્ષો સાથે ગઠબંધનની કવાયત:
કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે પુષ્ટિ કરી છે કે વિજયે સરકાર બનાવવા માટે કોંગ્રેસ પાસે સમર્થન માંગ્યું છે. જોકે, ડીએમકે નેતા ટી.કે.એસ. ઇલંગોવને આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે માત્ર ૫ ધારાસભ્યો છે, જે બહુમતી માટે પૂરતા નથી. ટીવીકે હાલમાં ૧૦ કે તેથી ઓછી બેઠકો ધરાવતા અન્ય નાના પક્ષો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. પક્ષના નેતા નાંજિલ સંપથ આ અંગે આશાવાદી છે અને તેમણે ટૂંક સમયમાં સારા સમાચાર મળવાની ખાતરી આપી છે.
રિસોર્ટ પોલિટિક્સ અને શપથગ્રહણની તૈયારીઓ:
ચૂંટણી પરિણામો બાદ ધારાસભ્યોના તોડજોડના ભયને ટાળવા માટે વિજયે પોતાના તમામ ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમના એક રિસોર્ટમાં ખસેડ્યા છે. ગતરોજ વિજયે પક્ષના મુખ્યાલય ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી અને વિધાનસભામાં પક્ષની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજયે ૬ મેના રોજ રાજ્યપાલ પાસે મુલાકાતનો સમય માંગ્યો છે અને ૭ મેના રોજ ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં શપથગ્રહણ સમારોહ યોજાય તેવી પ્રબળ શક્યતા છે.
દ્રવિડિયન પક્ષોના દાયકાઓ જૂના વર્ચસ્વનો અંત:
આ ચૂંટણી પરિણામોએ તમિલનાડુના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. ૧૦૮ બેઠકો પર વિજય મેળવીને ટીવીકે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે, જે દાયકાઓથી ચાલી આવતા ડીએમકે અને એઆઈડીએમકેના દ્વિપક્ષીય પ્રભુત્વના અંતની શરૂઆત માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે વિજય બાકીના ૧૦ ધારાસભ્યોનું સમર્થન મેળવીને કેવી રીતે સરકાર રચે છે. હાલ તો તમિલનાડુના રાજકારણમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
