તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 6th October 2026
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દૈનિક વેતનમાં થી કાયમી થયેલા સરકારી કર્મચારીઓને વાર્ષિક પગાર વધારો નકારી શકાય નહીં
ગુજરાત સરકારની અપીલ ફગાવતી દેશની સર્વોચ્ચ અદાલત; ૩૦ જૂને નિવૃત્ત થયેલા કર્મચારીઓને ૧ જુલાઈનો પગાર વધારો અને પેન્શન લાભ આપવા આદેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સરકારી સેવાઓમાં કામ કરતા હજારો કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ ઠરાવ્યું છે કે શરૂઆતમાં દૈનિક વેતન (ડેઇલી વેજ) પર જોડાયેલા અને બાદમાં સરકારી ઠરાવ હેઠળ નિયમિત કરાયેલા કુશળ કામદારોને કાયમી કર્મચારી ગણ્યા પછી વાર્ષિક પગાર વધારા (ઈન્ક્રીમેન્ટ) અને પેન્શન લાભોથી વંચિત રાખી શકાય નહીં. ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ સંજીવ સચદેવાની ખંડપીઠે આ અંગે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના ચુકાદાને રદ કર્યો છે. આ ચુકાદાથી દૈનિક વેતનમાં થી કાયમી થયેલા નિવૃત્ત કર્મચારીઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના ૧૭ ઓક્ટોબર, ૧૯૮૮ના સરકારી ઠરાવ (GR) નો હવાલો આપતાં નોંધ્યું હતું કે, ૧૦ વર્ષની સેવા પૂર્ણ કરનારા દૈનિક વેતન કામદારોને કાયમી કર્મચારીનો દરજ્જો આપવાની સ્પષ્ટ જોગવાઈ છે. કાયમી થયા બાદ આવા કર્મચારીઓ નિયમિત પગાર ધોરણ, મોંઘવારી ભથ્થાં, પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભો મેળવવા માટે પૂર્ણપણે હકદાર બને છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે કર્મચારીઓને માત્ર એટલા માટે વાર્ષિક વધારો આપવાનો ઇનકાર કરી શકાય નહીં કે તેઓ મૂળભૂત રીતે દૈનિક વેતન ધોરણે ભરતી થયા હતા. એકવાર કર્મચારી નિયમિત સેવા માળખામાં આવી જાય પછી તેનો જૂનો દરજ્જો રદ્દ થઈ જાય છે.
આ સમગ્ર વિવાદ ગુજરાતના સિંચાઈ વિભાગમાં ૩૦ વર્ષથી વધુ સમય સુધી સેવા આપીને જુદા જુદા વર્ષોમાં ૩૦ જૂનના રોજ નિવૃત્ત થયેલા કર્મચારીઓના વાર્ષિક પગાર વધારાને લઈને ઊભો થયો હતો. આ કર્મચારીઓનો નિયમિત વાર્ષિક વધારો તેમની નિવૃત્તિના બરાબર બીજા દિવસે એટલે કે ૧ જુલાઈના રોજ મળવાપાત્ર થતો હતો. અગાઉ હાઇકોર્ટની સિંગલ જજે કર્મચારીઓની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો, પરંતુ રાજ્ય સરકારે ડિવિઝન બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે મૂળ દૈનિક વેતનદાર હોવાથી તેઓ આ લાભ મેળવી શકે નહીં. ડિવિઝન બેન્ચે સિંગલ જજનો આદેશ રદ કરતા આખરે કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
ચુકાદો આપતાં ન્યાયાધીશ સંજય કુમારે સ્પષ્ટ કર્યું હતું કે નિવૃત્તિના આગલા દિવસે સેવા પૂર્ણ કરનાર કર્મચારી ૧ જુલાઈના વધારા માટે હકદાર છે અને આ અંગેનો કાનૂની મુદ્દો 'સી.પી. મુંડીનામણિ' તથા 'એમ. સિદ્ધરાજ' કેસના અગાઉના ચુકાદાઓથી પહેલેથી જ સ્થાપિત થઈ ચૂક્યો છે. અદાલતે ફેબ્રુઆરી ૨૦૨૫ના સુધારેલા નિર્દેશોને ધ્યાન ધ્યાનમાં રાખીને ઠરાવ્યું હતું કે, અરજદારોએ ૨૦૨૨માં હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. તેથી તેઓ અરજી દાખલ કર્યાના મહિનાના આગળના ત્રણ વર્ષના સમયગાળા માટે એક વધારાનો ઈન્ક્રીમેન્ટ ઉમેરીને સુધારેલું ઉન્નત પેન્શન અને બાકી લેણી રકમ મેળવવા માટે પાત્ર બને છે.
ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે ગુજરાત સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ આગામી ૩૦ દિવસની અંદર તમામ અરજદારોની પાછલી બાકી લેણી રકમ અને પેન્શનમાં થતા સુધારાની ગણતરી કરીને રકમ ચૂકવી દે. જો નિર્ધારિત સમયમર્યાદામાં નાણાં મુક્ત કરવામાં નિષ્ફળ જશે, તો સરકારે વિલંબિત સમયગાળા માટે વાર્ષિક ૬ ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. સર્વોચ્ચ અદાલતના આ નિર્દેશથી નીચલી અદાલતની ક્ષતિ સુધારાઈ છે અને નિવૃત્ત કર્મચારીઓને ન્યાય મળ્યો છે.
આ ચુકાદો દેશભરના એવા તમામ સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નઝીર (પ્રીસિડન્ટ) સાબિત થશે જેમણે કારકિર્દીની શરૂઆત દૈનિક વેતન આધારિત કરી હતી પરંતુ બાદમાં નિયમિત થયા હતા. કોર્ટના આ સ્ટેન્ડથી સ્પષ્ટ થાય છે કે સરકારી નીતિઓ હેઠળ કાયમી થયેલા કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખી શકાય નહીં. આ નિર્ણયથી ભવિષ્યમાં પણ નિવૃત્ત થતાં કર્મચારીઓના પેન્શન અને નાણાકીય હકોનું રક્ષણ થશે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
