News of Wednesday, 16th September 2026
અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પુખ્ત વયની વ્યક્તિને ધર્મ કે જીવનસાથીની પસંદગી બદલ પરિવાર કે કોઈ રોકી શકે નહીં, સ્વેચ્છાએ ઇસ્લામ અંગીકાર કરનાર આયુષ મલિકને મળી મુક્તિ!
ધર્મ પરિવર્તન બાદ પરિવાર દ્વારા ગેરકાયદેસર રીતે બંધક બનાવી રાખવામાં આવેલા ૩૧ વર્ષીય યુવાનને કોર્ટે બંધારણીય સ્વતંત્રતા આપતા પોતાની મરજી મુજબ જીવવાની અને લગ્ન કરવાની મંજૂરી આપી છે.

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના અલ્હાબાદ હાઈકોર્ટે વ્યક્તિગત સ્વતંત્રતા અને પસંદગીના અધિકાર અંગે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિને માત્ર એટલા માટે તેના પરિવાર દ્વારા રોકી કે બાંધી શકાય નહીં કે તેઓ તેની ધર્મ અથવા જીવનસાથીની પસંદગી સાથે અસંમત હોય. ન્યાયાધીશ સંદીપ જૈને 'હેબિયસ કોર્પસ' (બંદી પ્રત્યક્ષીકરણ) અરજી પર સુનાવણી કરતા ૩૧ વર્ષીય આયુષ મલિકને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આયુષે અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે તેણે સ્વેચ્છાએ ઈસ્લામ અંગીકાર કર્યો છે અને તે પોતાની મરજી મુજબ ગમે ત્યાં રહી શકે છે.
શામલી જિલ્લાના 'બેચલર ઓફ ફાર્મસી'ના સ્નાતક આયુષ મલિકને ગેરકાયદેસર રીતે બંધક બનાવી રાખવામાં આવ્યા હોવાની અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ હાજર થઈને આયુષે સ્પષ્ટ કર્યું કે તેણે વર્ષ ૨૦૧૪માં જ કોઈ પણ દબાણ, બળજબરી કે લાલચ વગર પોતાની સ્વેચ્છાથી ધર્મ પરિવર્તન કર્યું હતું અને પોતાનું નામ બદલીને મોહમ્મદ અલી રાખ્યું હતું. તેણે ચાંદની કુરેશી નામની યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ગત ૪ જૂનથી તેના પરિવારજનોએ તેને ઘરમાં ગેરકાયદેસર રીતે કેદ કરીને રાખ્યો હતો. જો કે, આયુષના પિતા દેવરાજ સિંહ મલિકે દાવો કર્યો હતો કે તેમના પુત્રનું 'બ્રેઈનવોશિંગ' કરવામાં આવ્યું છે.
કોર્ટે પિતાના દાવાને ફગાવતા નોંધ્યું હતું કે પુખ્ત વયની વ્યક્તિ પોતાની આસ્થા, રહેઠાણ અને વૈવાહિક સંબંધો અંગે નિર્ણય લેવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે અને માતા-પિતાની ચિંતા ક્યારેય પણ બંધારણીય રીતે સુરક્ષિત વ્યક્તિગત સ્વાયત્તતા કરતાં ઉપર હોઈ શકે નહીં. સંવિધાનના અનુચ્છેદ ૨૧ હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને ટાંકીને કોર્ટે આયુષ મલિકને તેની પસંદગીના સ્થળે જવા, ધર્મનું પાલન કરવા અને કાયદાકીય પ્રક્રિયા મુજબ લગ્ન કરવાનો અધિકાર પ્રદાન કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ માેમલો શામલી પોલીસ દ્વારા 'યુપી ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પ્રતિબંધ અધિનિયમ, ૨૦૨૧' હેઠળ ચાંદની કુરેશી અને તેના પિતાની ધરપકડ સાથે પણ જોડાયેલો છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
