તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
ભારત-જાપાન દોસ્તીમાં ઐતિહાસિક વળાંક: પ્રથમ વખત સંરક્ષણ ક્ષેત્રે 'સહ-વિકાસ' (Defense Co-development) પ્રોજેક્ટની જાહેરાત, વૈશ્વિક મંચ પર નવું લશ્કરી અને ટેકનોલોજીકલ સમીકરણ રચાયું!
૧૬મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં પીએમ મોદીએ કર્યું જાપાની સમકક્ષ સના તાકાઈચીનું ભવ્ય સ્વાગત; AI, સેમિકન્ડક્ટર અને ડિફેન્સ સહિત ૧૨૦ કરારો હેઠળ જાપાની કંપનીઓ ભારતમાં કરશે ₹૧.૬૬ લાખ કરોડ ($૧૨.૫ બિલિયન) નું બમ્પર રોકાણ

નવી દિલ્હી, તા.૦૨: વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ અને બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ભારત અને જાપાને ગુરુવારે પોતાની મિત્રતાનો એક નવો સુવર્ણ અધ્યાય શરૂ કર્યો છે. રાજધાની દિલ્હીમાં યોજાયેલા ૧૬મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન દરમિયાન બંને દેશોએ તેમના ઈતિહાસના સર્વપ્રથમ સંરક્ષણ સહ-વિકાસ (Defense Co-development) પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ મુલાકાતે આવેલા જાપાનના વડા પ્રધાન સના તાકાઈચીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ બેઠક માત્ર લશ્કરી સહયોગ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં પણ એક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો નખાયો છે.
જાપાની કંપનીઓનો ભારત પર ભરોસો: ₹૧.૬૬ લાખ કરોડનું મસમોટું રોકાણ
આ શિખર સંમેલનની સાથે જ યોજાયેલા 'જાપાન-ભારત આર્થિક મંચ'માં ૧૫૦થી વધુ ટોચની જાપાની કંપનીઓએ ભાગ લીધો હતો. આ બિઝનેસ સમિટ દરમિયાન જાપાની ઉદ્યોગજગતે ભારતમાં સેમિકન્ડક્ટર, ક્લીન એનર્જી, ઓટોમોબાઈલ, મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોને આવરી લેતા આશરે ૧૨૦ જેટલા સહયોગ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારો હેઠળ જાપાન ભારતમાં આશરે ૨ ટ્રિલિયન યેન (જે ભારતીય ચલણમાં અંદાજે ₹૧,૬૬,૦૦૦ કરોડ અથવા ૧૨.૫ બિલિયન ડોલર થાય છે) ના જંગી રોકાણો ઠાલવશે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે બંને દેશોનું આગામી લક્ષ્ય ભારતમાં કાર્યરત જાપાની કંપનીઓની સંખ્યા બમણી કરવાનું અને કુલ રોકાણને ૧૦ ટ્રિલિયન યેન સુધી લઈ જવાનું છે.
ભવિષ્યની ટેકનોલોજી અને AI બનશે નવા આધારસ્તંભ
પીએમ મોદીએ બંને દેશોના પૂરક આર્થિક માળખા અને સાંસ્કૃતિક સમાનતા પર ભાર મૂકતા જણાવ્યું કે, "ટેકનોલોજી ભાગીદારી આપણા સહયોગનો સૌથી મજબૂત સ્તંભ બનવા જઈ રહી છે." આ વિઝનને સાકાર કરવા માટે બંને દેશોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. આ ઉપરાંત, આર્થિક સુરક્ષા સહયોગ પર સંયુક્ત ઘોષણા, અદ્યતન સામગ્રી, ફાર્માસ્યુટિકલ્સ અને નેક્સ્ટ જનરેશન વ્હીકલ્સ માટેની બેટરીઓ માટે પણ મહત્વના મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીથી વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટરની સપ્લાય-ચેઈન વધુ મજબૂત બનશે.
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનને આડકતરો પડકાર?
જાપાનના વડાપ્રધાન સના તાકાઈચીએ વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને 'અવ્યવસ્થિત' ગણાવતા કહ્યું કે, મુક્ત, સમૃદ્ધ અને નિયમો-આધારિત વૈશ્વિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે ભારત અને જાપાને સાથે મળીને વધુ મજબૂત બનવું પડશે. તેમણે ઉમેર્યું કે જાપાનની 'ફ્રી એન્ડ ઓપન ઇન્ડો-પેસિફિક' (FOIP) વ્યૂહરચના અને ભારતની મહાસાગર પહેલ એકબીજા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે, જેમાં દરિયાઈ સુરક્ષા આ સહકારનો મુખ્ય કેન્દ્રબિંદુ રહેશે. સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીની આપ-લે અને સંયુક્ત ઉત્પાદનનો આ નિર્ણય એશિયા-પેસિફિક ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે ગેમ-ચેન્જર સાબિત થશે, તેમ સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
