<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 'ગમે તેવા ગંદા અપશબ્દો બોલવા તે અશ્લીલતાનો ગુનો નથી', માત્ર લંપટ અને કામુક શબ્દો પર જ લાગશે કલમ ૨૯૪(b)

તમિલનાડુના ૭૦ વર્ષના વૃદ્ધની સજા હળવી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે કાયદાની લક્ષ્મણ રેખા સ્પષ્ટ કરી: માત્ર સામાન્ય ઝઘડામાં આપેલી ધમકી ગુનાહિત ધાકધમકી નથી, પરંતુ હુમલામાં હાડકું તોડવા બદલ સજા યથાવત

નવી દિલ્હી, : સામાન્ય બોલાચાલી કે ઝઘડા દરમિયાન બોલાતા અપશબ્દો અને કાયદાકીય અશ્લીલતા વચ્ચે એક બહુ મોટી અને સ્પષ્ટ લક્ષ્મણ રેખા દોરતો ઐતિહાસિક ચુકાદો દેશની સર્વોચ્ચ અદાલતે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલા અપશબ્દો, ગાળો કે અભદ્ર ભાષા, ભલે ગમે તેટલી અપમાનજનક કે ઘૃણાસ્પદ હોય, પણ તે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૨૪(b) હેઠળ 'અશ્લીલતાના ગુના' (Obscenity) ના દાયરામાં આવતી નથી. કોર્ટે ઠરાવ્યું છે કે કાયદાની નજરમાં અશ્લીલ ગણાવા માટે શબ્દો લંપટ, કામુક, વાસનાને ઉત્તેજિત કરનારા અને સામેવાળી વ્યક્તિના મનને ભ્રષ્ટ કરવાની વૃત્તિ ધરાવતા હોવા જોઈએ.

૭૦ વર્ષના વૃદ્ધની અપીલ પર મોટો નિર્ણય:
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે તમિલનાડુના એક ૭૦ વર્ષીય વૃદ્ધની અપીલ પર સુનાવણી કરતી વખતે આ સીમાચિહ્નરૂપ અવલોકન કર્યું હતું. ઓગસ્ટ ૨૦૧૭ માં તમિલનાડુમાં એક ખેતીની જમીનના વિવાદમાંથી આ કેસ ઊભો થયો હતો, જેમાં આરોપી પર ફરિયાદીને જાતિસૂચક અને અશ્લીલ ગાળો ભાંડવાનો તથા ઘાતક હથિયાર (બિલહૂક) વડે હુમલો કરવાનો આરોપ હતો. સુપ્રીમ કોર્ટે વૃદ્ધ ધારાસભ્ય વિરુદ્ધની કલમ ૨૯૪(b) (અશ્લીલતા) અને કલમ ૫૦૬(ii) (ગુનાહિત ધાકધમકી) હેઠળની સજા રદ કરી દીધી હતી. જોકે, હુમલા દરમિયાન ફરિયાદીના નાકનું હાડકું તોડી નાખવા બદલ કલમ ૩૨૬ (ગંભીર ઇજા) હેઠળની સજા યથાવત રાખી હતી. વૃદ્ધની ઉંમર અને ખરાબ તબિયતને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની જેલની સજા ઘટાડીને 'કોર્ટ ઉભરાય ત્યાં સુધી' (ટીલ રાઇઝિંગ ઓફ ધ કોર્ટ) કરી હતી અને ₹૫૦,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.

કાયદાના બે મહત્વના ઘટકો જે ફરિયાદ પક્ષ સાબિત ન કરી શક્યો:
સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ ૨૯૪ ની બારીકાઈથી તપાસ કરતા જણાવ્યું કે, આ ગુનો સાબિત કરવા માટે બે બાબતો અનિવાર્ય છે: પ્રથમ, તે શબ્દો જાહેર સ્થળે કે તેની આસપાસ બોલાયા હોવા જોઈએ અને દ્વિતીય, તેનાથી અન્ય લોકોને હેરાનગતિ (Annoyance) થવી જોઈએ. જે શબ્દો ફક્ત અશ્લીલ કે અપમાનજનક છે તે સમાજમાં આઘાત કે ઘૃણા પેદા કરી શકે છે, પરંતુ તે માત્રથી તે કાયદાકીય રીતે અશ્લીલ સાબિત થતા નથી. આ કેસમાં કથિત ગાળો જાહેર સ્થળે કોઈને હેરાન કરતી હોય તેવા પુરાવા મળ્યા નથી.

સામાન્ય ધમકી એ ગુનાહિત ધાકધમકી નથી:
કોર્ટે અગાઉના 'નરેશ અનેજા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય (૨૦૨૫)' ના ચુકાદાનો હવાલો આપતા કલમ ૫૦૬(ii) હેઠળ પણ રાહત આપી હતી. બેન્ચે કહ્યું કે, ઝઘડાની ઉત્તેજનામાં ફક્ત ધમકીભર્યા શબ્દો બોલવા તે ગુનાહિત ધાકધમકી નથી, સિવાય કે એ સાબિત થાય કે તે ધમકી પાછળ ફરિયાદીના મનમાં કોઈ ચોક્કસ કાયદાકીય કૃત્ય અટકાવવા માટે ભય પેદા કરવાનો આશય હતો.

હાડકું તૂટ્યું એટલે કડક સજા પાકી:

અપશબ્દો અને ધમકીના મામલે રાહત આપવા છતાં, સુપ્રીમ કોર્ટે હિંસાના કૃત્ય સામે લાલ આંખ કરી હતી. સીટી સ્કેન અને તબીબી અહેવાલોમાં પુષ્ટિ થઈ હતી કે હુમલાને કારણે ફરિયાદીના નાકના હાડકામાં ફ્રેક્ચર થયું હતું, જે આઈપીસીની કલમ ૩૨૦ હેઠળ 'ગંભીર ઈજા' (Grievous Hurt) ની વ્યાખ્યામાં આવે છે. તેથી કલમ ૩૨૬ હેઠળ સજાને પાત્ર ગણીને કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો કે દેશમાં ભાષાકીય અભદ્રતા અને શારીરિક હિંસા વચ્ચે કાયદો હંમેશા ભેદ રેખા જાળવશે અને હિંસા કરનારાઓ કડક સજાથી બચી શકશે નહીં.

 

(9:43 PM IST)