તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: લાંચ લેતી વખતે માત્ર હાજર હોવું એ ‘ગુનાહિત કાવતરું’ નથી, શંકાના આધારે કોઈને ગુનેગાર ન ઠેરવી શકાય!
"આરોપીઓ વચ્ચે અગાઉથી મનની મીટિંગ (Meeting of Minds) થઈ હતી તે સાબિત કરો"; સેન્ટ્રલ એક્સાઇઝના ત્રણ ઇન્સ્પેક્ટરોને નિર્દોષ જાહેર રાખવાનો અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રાખ્યો યથાવત

નવી દિલ્હી : ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરાના કેસોને લઈને દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court) દ્વારા એક ખૂબ જ મોટો અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે કોઈ ઉચ્ચ અધિકારી લાંચ લેતો હોય, ત્યારે તેની નજીક કે તે જ સ્થળે માત્ર ગૌણ કર્મચારી કે અન્ય અધિકારીની હાજરી હોવી એ તેને ‘ગુનાહિત કાવતરા’ (Criminal Conspiracy) નો ભાગ ગણવા માટે પૂરતું નથી. જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે ચુકાદો આપતા કહ્યું કે, કાવતરાના આરોપ સાબિત કરવા માટે ફરિયાદ પક્ષે (Prosecution) એવા નક્કર પુરાવા રજૂ કરવા પડશે જે દર્શાવે કે આરોપીઓ વચ્ચે ગુનો કરવા માટે અગાઉથી કોઈ કરાર કે 'મનની મીટિંગ' થઈ હતી.
૩૧ વર્ષ જૂના સીબીઆઈ (CBI) ટ્રેપનો મામલો
આ સમગ્ર મામલો વર્ષ ૧૯૯૫ નો છે, જ્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક મોટી ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ એક્સાઇઝના તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ આર.કે. શ્રીવાસ્તવે ફેક્ટરીમાંથી જપ્ત કરાયેલા દસ્તાવેજો પાછા આપવા માટે ૮૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. સીબીઆઈની રેડ દરમિયાન ત્યાં હાજર ત્રણ સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર એ.કે. ગાબા, આલોક ગુપ્તા અને દુષ્યંત કુમાર પર પણ કાવતરામાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, કારણ કે તેઓ લાંચની માંગણી અને સ્વીકૃતિ વખતે સુપરિન્ટેન્ડેન્ટની સાથે જ ઊભા હતા.
હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ ફગાવી ઉત્તર પ્રદેશ સરકારની અપીલ
શરૂઆતમાં ટ્રાયલ કોર્ટે આ તમામ ઇન્સ્પેક્ટરોને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. પરંતુ બાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા, કારણ કે સીબીઆઈ તેમની સામે કાવતરાના કોઈ મજબૂત પુરાવા આપી શકી નહોતી. હાઈકોર્ટના આ નિર્ણયને ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે આજે આખરી સુનાવણીમાં સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
"શંકા કે જોડાણ એ પુરાવાનો વિકલ્પ નથી"
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું કે, ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 120B હેઠળ ગુનાહિત કાવતરું ફક્ત શંકા કે માત્ર ઘટનાસ્થળે ઉપસ્થિત હોવાના કારણે સાબિત માની શકાય નહીં. ગેરકાયદેસર કૃત્યનું જ્ઞાન અને તે કરવા માટે પરસ્પર સંમતિ હોવી અનિવાર્ય છે. ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો કે આ ત્રણેય ઇન્સ્પેક્ટરો મુખ્ય આરોપી શ્રીવાસ્તવની લાંચની માંગણીમાં સક્રિય રીતે ભાગીદાર હતા.
ટેપ રેકોર્ડિંગ છુપાવવું સીબીઆઈને ભારે પડ્યું
આ કેસમાં તપાસ એજન્સીની એક મોટી બેદરકારી પણ સામે આવી છે. સીબીઆઈએ દાવો કર્યો હતો કે લાંચની કથિત માંગણી એક ઓડિયો ટેપમાં રેકોર્ડ કરવામાં આવી હતી, પરંતુ તેઓ આ મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક પુરાવો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને પૂર્વ ચુકાદાઓનો હવાલો આપતા કહ્યું હતું કે, આવા અગત્યના પુરાવા છુપાવવા અથવા રજૂ ન કરવાથી ફરિયાદ પક્ષનો આખો કેસ નબળો પડી જાય છે. કોર્ટના આ આદેશથી વહીવટી અને કાનૂની ક્ષેત્રે ફરજ બજાવતા નિર્દોષ કર્મચારીઓને મોટી રાહત મળશે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
