તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
પૂર્વીય ભારતના દરિયાઈ વેપારમાં ઐતિહાસિક કદમ: પશ્ચિમ બંગાળનું હલ્દિયા બંદર બન્યું દેશનું ૪૧મું સત્તાવાર ઇમિગ્રેશન ચેકપોઇન્ટ!
ગૃહ મંત્રાલયે કાયદામાં સુધારો કરીને હલ્દિયાને આપી વૈશ્વિક લીલી ઝંડી; આંતરરાષ્ટ્રીય ક્રૂ અને મુસાફરોની અવરજવર થશે સરળ, અગાઉ ગુજરાતના ૩ બંદરોનો પણ કરાયો હતો સમાવેશ

નવી દિલ્હી: તા. ૨૩ જૂન, ૨૦૨૬: ભારતના પૂર્વીય દરિયાઈ હબ અને વૈશ્વિક વેપારને વધુ વેગ આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય (MHA) દ્વારા જારી કરાયેલી સત્તાવાર નોટિફિકેશન અનુસાર, પશ્ચિમ બંગાળના સુપ્રસિદ્ધ 'હલ્દિયા બંદર' (Haldia Port)ને હવે સત્તાવાર રીતે નિયુક્ત ઇમિગ્રેશન ચેકપોઇન્ટની યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યું છે. આ મહત્ત્વના ઉમેરા સાથે જ હલ્દિયા બંદર હવે સત્તાવાર ઇમિગ્રેશન સુવિધા ધરાવતું ભારતનું ૪૧મું દરિયાઈ બંદર બની ગયું છે, જે પૂર્વ ભારતના આર્થિક વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે.
શ્યામા પ્રસાદ મુખર્જી બંદર (SMPK) હેઠળ કાર્યરત અને કોલકાતાથી આશરે ૧૨૦ કિલોમીટર દૂર હુગલી નદી પર આવેલું આ ઊંડા પાણીનું બંદર (Deep Water Port) જથ્થાબંધ, પ્રવાહી અને કન્ટેનરાઇઝ્ડ કાર્ગોના સંચાલન માટે દેશનું એક અત્યંત મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે. ગૃહ મંત્રાલયે ગત ૨૨ જૂનના રોજ ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, ૨૦૨૫ હેઠળ એક વિશેષ સુધારો કરીને આ જાહેરાત કરી છે. આ નવા નિયમ બાદ હવે આંતરરાષ્ટ્રીય જહાજોના ક્રૂ મેમ્બર્સ અને વિદેશી મુસાફરો માટે હલ્દિયા બંદર પર જ ઇમિગ્રેશન ક્લિયરન્સની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી અને નિયમનકારી કાર્યક્ષમતા સાથે પૂર્ણ કરી શકાશે.
ગૃહ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન મુજબ, દરિયાઈ બંદરો સંબંધિત શ્રેણી-૨ ના કોષ્ટકમાં ફેરફાર કરીને સીરીયલ નંબર ૪૦ પછી હવે "૪૧ હલ્દિયા (પશ્ચિમ બંગાળ)" દાખલ કરવામાં આવ્યું છે. ભારત સરકાર દેશના મુખ્ય બંદરો પર માળખાગત સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) મજબૂત કરવા માટે સતત પ્રયાસશીલ છે, જેના ભાગરૂપે જ ઇમિગ્રેશન માળખાને સમયાંતરે અપડેટ કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ ગત ૨૯ મેના રોજ ગૃહ મંત્રાલયે ગુજરાતના ત્રણ મહત્ત્વના બંદરો - દહેજ, સિક્કા અને તુના ટેકરાને પણ સત્તાવાર ઇમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કર્યા હતા, જેણે પશ્ચિમ ભારતના દરિયાઈ માર્ગોને મજબૂત કર્યા હતા. હવે હલ્દિયાનો આ યાદીમાં સમાવેશ થતાં પૂર્વ ભારતથી થતા વૈશ્વિક બિઝનેસ અને ટૂરિઝમને ચાર ચાંદ લાગશે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
