<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

વિદર્ભમાં સિનિયર સિટિઝન્‍સ માટે યોજાઈ ઐતિહાસિક ગાયન સ્‍પર્ધા

‘ગુર્જર પુષ્‍પ' સાપ્તાહિકની ૩૦મી વર્ષગાંઠે અખિલ ભારત ગુજરાતી સમાજના કેન્‍દ્રીય ઉપાધ્‍યક્ષ મગનભાઈ ઠક્કર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્‍થિતિઃ વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટથી સન્‍માનિત કરાયા સુરેશ ભટ્ટ સભાગૃહમાં વિનામૂલ્‍યે યોજાયેલા કાર્યક્રમમાં સંગીત પ્રેમીઓની ભારે ભીડ ઉમટીઃ ૫૦ થી ૬૦ અને ૬૦થી વધુ વર્ષની બે શ્રેણીમાં સ્‍પર્ધા યોજાઈ

નાગપુરઃ ‘ગુર્જર પુષ્‍પ' સાપ્તાહિકે તેની ૩૦મી વર્ષગાંઠના પાવન નિમિત્તે વિદર્ભમાં પ્રથમવાર ગુજરાતી સિનિયર સિટિઝન્‍સ માટે ગીત ગાયન સ્‍પર્ધાનું એક ભવ્‍ય આયોજન તાજેતરમાં સુરેશ ભટ્ટ સભાગૃહ ખાતે કર્યું હતું. આ સંપૂર્ણપણે નિઃશુલ્‍ક કાર્યક્રમમાં વિદર્ભના ગુજરાતીઓની એટલી મોટી સંખ્‍યામાં ભીડ ઉમટી પડી હતી કે અનેક લોકોને પાસ ન હોવાના કારણે હોલમાંથી પાછા ફરવું પડ્‍યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં રઘુવંશી સમાજના અગ્રણી અને જાણીતા પત્રકાર તથા  ગુર્જર પુષ્‍પ સાપ્તાહિકના તંત્રી શ્રી હરેન્‍દ્રભાઈ  તન્નાએ (મો. ૯૮૨૩૧ ૭૦૪૫૬ ) પ્રાસ્‍તાવિક ઉદ્વોધન કર્યું હતું. મંચનું સફળ સંચાલન ડો. સોનુ જેસવાની અને મનોજ ઠક્કરે અત્‍યંત પ્રભાવી ઢંગથી કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતી સમાજના દિવંગત ગાયકો પ્રદીપભાઈ ઠક્કર, ચંદ્રકાંત ભૂપતાની અને મહેશભાઈ જોશીને ખાસ યાદ કરીને આદરાંજાલિ અર્પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સ્‍વર સમ્રાટ આશા ભોંસલેનું નિધન થતાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજાલિ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે મુંબઈ નિવાસી અને અખિલ ભારત ગુજરાતી સમાજના કેન્‍દ્રીય ઉપાધ્‍યક્ષ શ્રી મગનભાઈ ઠક્કર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યારે અતિથિ વિશેષ તરીકે દુર્ગના શ્રી જલારામ સત્‍સંગ મંડળ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી દિલીપભાઈ લાખાણી, મુંબઈના સુપ્રસિદ્ધ હોમિયોપેથ શ્રીમતી ડો. રક્ષાબેન ઠક્કર અને સમાજ શ્રેષ્ઠી હરેન્‍દ્રભાઈ તન્નાએ હાજરી આપી હતી.

સ્‍પર્ધાને બે શ્રેણીમાં વિભાજિત કરવામાં આવી હતી. પ્રથમ શ્રેણી ૫૦ થી ૬૦ વર્ષના ગાયકો માટે અને બીજી શ્રેણી ૬૦ થી વધુ ઉંમરના ગાયકો માટે હતી. તમામ ગાયકોની પ્રસ્‍તુતિઓને ઉપસ્‍થિત પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. વિદર્ભની ધરતી પર આજાદિન સુધી આવો કાર્યક્રમ ન યોજાયો હોવાથી આ કાર્યક્રમે ઐતિહાસિક રૂપ લીધું હતું. સંયોજક રૂપે જયપ્રકાશભાઈ માલવિયા અને શ્રીમતી હેમાબેન રાજાનું સુપરવિઝન દાદ માંગી લે તેવું હતું. કાર્યક્રમમાં નિર્ણાયકો તરીકે પ્રણોતી બોદ, યુવરાજ ચૌધરી અને વૈશાલી ચાંદપુરકરે પોતાની સેવા આપી હતી.

સ્‍પર્ધાના વિજેતાઓઃ પ્રથમ શ્રેણી (૫૦ થી ૬૦ વર્ષ) ૧. પ્રથમઃ અતુલભાઈ રાજદેવ (નાગપુર) ૨. દ્વિતીયઃ પ્રવિણભાઈ લોટીયા (અમરાવતી) ૩. તૃતીયઃ વિજયભાઈ ઠક્કર (નાગપુર)

બીજી શ્રેણી (૬૦ થી વધુ વર્ષ): ૧. પ્રથમઃ લતેશભાઈ કુરાની, ૨. દ્વિતીયઃ ભારતભાઈ મેહતા (વર્ધા), ૩. તૃતીયઃ પ્રકાશભાઈ કોઠારી (નાગપુર)

તમામ વિજેતાઓને મુખ્‍ય અતિથિ તેમજ અતિથિ વિશેષના વરદ હસ્‍તે મોમેન્‍ટો, મેડલ અને સર્ટિફિકેટથી નવાજવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ શ્રી મગનભાઈ ઠક્કરે, શ્રી હરેન્‍દ્રભાઈ અને ગુર્જર પુષ્‍પના સંચાલિકા શ્રીમતી લીનાબેન તન્નાની પ્રશંસા કરી હતી, તેમજ સર્વે વિજેતાઓને અભિનંદન આપીને આયોજન સમિતિના ભારોભાર વખાણ કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે જય પ્રકાશ માલવિયા, હેમાબેન રાજા, મનોજભાઈ ઠક્કર, દીપાબેન ગણાત્રા, જયંતિલાલ રાજા, રક્ષિત તન્ના, મનીષભાઈ, ભાવેશ ભૂપતાની અને ડો. સોનુ જેસવાનીની સેવાઓ આપી હતી. સમગ્ર વ્‍યવસ્‍થા ઉડીને આંખે વળગે તેવી હતી.

કાર્યક્રમ દરમિયાન લકી ડ્રો પણ યોજવામાં આવ્‍યો હતો. અંતમાં આભાર પ્રદર્શન શ્રીમતી હેમાબેન રાજાએ કર્યું હતું. રાષ્ટ્રગીત સાથે આ અવિસ્‍મરણીય કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

(3:22 PM IST)