<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ભારતીય કૃષિ ક્ષેત્રમાં ઐતિહાસિક ક્રાંતિ: યુરિયા પરની નિર્ભરતા ઘટાડવા સરકારે 'નિર્જળ એમોનિયા' ને આપી મંજૂરી; ભારત બન્યો વિશ્વનો ચોથો દેશ!

૮૨% નાઇટ્રોજન ધરાવતા 'એનહાઇડ્રસ એમોનિયા' થી વાર્ષિક કરોડો ડોલરનું આયાત બિલ ઘટશે: અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની હરોળમાં ભારત સામેલ; ૩ વર્ષ માટે ઉત્પાદનની પરવાનગી

નવી દિલ્હી, તા.28: ભારતીય કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અને ખાતરની આયાત પરનું ભારણ ઘટાડવા કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. સરકારે દેશમાં ૮૨% જેટલું ઊંચું નાઇટ્રોજન પ્રમાણ ધરાવતા 'નિર્જળ એમોનિયા' (Anhydrous Ammonia) ના કૃષિ ક્ષેત્રે સીધા ઉપયોગને સત્તાવાર લીલી ઝંડી આપી દીધી છે. યુરિયાના વપરાશ અને આયાતમાં વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ ભારતે આ નિર્ણય લઈને ખાતર નીતિમાં નવો અધ્યાય સર કર્યો છે.
વિકસિત દેશોની હરોળમાં ભારત ચોથો દેશ બન્યો
કૃષિ ક્ષેત્રે ખાતર તરીકે સીધા નિર્જળ એમોનિયાનો ઉપયોગ કરવાની મંજૂરી આપનારો ભારત વિશ્વનો માત્ર ચોથો દેશ બન્યો છે. આ પહેલાં માત્ર યુએસએ (USA), કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા ટેકનોલોજીકલ રીતે વિકસિત દેશોમાં જ ખેતીમાં સીધા એમોનિયાનો ઉપયોગ કરવાની પદ્ધતિ અસ્તિત્વમાં છે. જો આ પ્રયોગ ભારતમાં સફળ રહેશે, તો તે દેશના કૃષિ અર્થતંત્ર ચિત્ર બદલી નાખશે.
ગેઝેટ નોટિફિકેશન જારી: ૩ વર્ષ માટે ઉત્પાદન પરવાનગી
કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા 'ખાતર નિયંત્રણ આદેશ, ૧૯૫૮' ની કલમ ૨૦એ હેઠળ ગેઝેટ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે.
•    આ હેઠળ યોગ્યતા ધરાવતી ફેક્ટરીઓને ત્રણ વર્ષ સુધી નિર્જળ એમોનિયા ખાતરનું ઉત્પાદન કરવાની પરવાનગી આપવામાં આવી છે.
•    આ ખાતરમાં વજનના ધોરણે ઓછામાં ઓછું ૮૨% નાઇટ્રોજન હોવું અનિવાર્ય રખાયું છે.
•    દેશના અનેક યુરિયા પ્લાન્ટ્સમાં વાર્ષિક ૨,૦૦૦ થી ૬,૦૦૦ ટન વધારાનું એમોનિયા ઉત્પન્ન થાય છે, જેને હવે સટાકથી જટિલ ખાતર એકમો (Complex Fertilizer Units - NPK) ને વેચવામાં પ્રાથમિકતા અપાશે.
યુરિયા અને નિર્જળ એમોનિયા વચ્ચે શું છે તફાવત?
જોકે, યુરિયા અને નિર્જળ એમોનિયા બંને નાઇટ્રોજન આપે છે, પરંતુ તેમના ઉપયોગની રીતમાં જમીન-આસમાનનો ફરક છે:
•    યુરિયા: ઘન (દાણેદાર) સ્વરૂપમાં હોવાથી ખેતરોમાં હાથથી કે મશીનથી સરળતાથી છાંટી શકાય છે.
•    નિર્જળ એમોનિયા: તે વાયુયુક્ત (Gaseous) સ્વરૂપમાં હોય છે, જેને વિશિષ્ટ સાધનો અને પ્રેશર ટાંકીઓ દ્વારા સીધું જમીનની અંદર 'ઇન્જેક્ટ' કરવું પડે છે.
ભારતીય ખેતરોમાં તેનો વ્યાપક ઉપયોગ કરવા માટે સુરક્ષિત પરિવહન, સંગ્રહ ટાંકીઓ અને વિશેષ ટૂલ્સ જેવા માળખાગત પડકારો પૂરા કરવા પડશે.
આયાત પરનું નિર્ભરતા ઘટશે
હાલમાં ભારત દર વર્ષે આશરે ૧૦૦ લાખ ટન યુરિયાની આયાત કરે છે, જ્યારે દેશમાં ૩૦૦ લાખ ટનનું સ્થાનિક ઉત્પાદન થાય છે (જે પણ આયાતી LNG ગેસ પર નિર્ભર છે). ચોમાસાની વાવણી વખતે (ખાસ કરીને જુલાઈમાં) યુરિયાની માંગમાં સડસડાટ ઉછાળો આવે છે. આવી સ્થિતિમાં નિર્જળ એમોનિયાનો સફળ ઉપયોગ ભારતની આયાત નિર્ભરતા ઘટાડીને દેશના અબજો રૂપિયા બચાવવામાં સંજીવની સાબિત થશે.

(4:51 PM IST)